Western Times News

Gujarati News

અરવલ્લીમાં ખેડૂતના ઘરે ફક્ત એક જ બલ્બ છે વીજતંત્રએ ફટકાર્યું ૩૯ હજારનું બીલ

ખેડૂતનું વીજ કનેક્શન કાપ્યા પછી પણ ૭ હજાર બિલમાં ઉમેરાયા

પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: કોરોનાની મહામારીમાં વીજતંત્રએ આડેધડ મનફાવે તેમ ગ્રાહકોને બીલ ફટકાર્યાં હોવાની બૂમો સતત ઉઠી રહી છે રાજ્યમાં અનેક જગ્યાએ તો લોકોએ વીજતંત્રએ આપેલ વીજબિલનો બહિષ્કાર કર્યો છે ત્યારે અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના ખોખરીયા ગામે પરિવાર સાથે જીવનનિર્વાહ ચલાવતા ખેડૂતના ઘરે એક જ વીજબલ્બ હોવા છતાં થોડા મહિના અગાઉ વીજતંત્રએ ૩૨ હજાર રૂપિયા બિલ ફટકારતા ખેડૂતના મોતિયા મરી ગયા હતા જે અંગે ખેડૂત મેઘરજ યુજીવીસીએલની કચેરીએ લેખિતમાં અરજી પણ કરી હતી અને પરંતુ વીજતંત્ર ઉલ્ટા ચોર કોટવાલને દંડે એમ ખેડૂતનું વીજ કનેક્શન જ કાપી નાખ્યું હતું.તેમજ વીજ કનેક્શન કાપ્યા બાદ વધુ ૭ હજારનું બિલ પધરાવતા ખેડૂત ૩૯ હજાર રૂપિયાના બીલની રકમ સાંભળી પગ નીચેથી ઘરતી સરકી ગઈ છે ખેડૂત પરિવાર વીજતંત્રની લાલિયાવાડીના પગલે અંધેરા ઉલેચી રહ્યો છે

હાલ ખેડૂત પરિવારના ત્રણ બાળકો દીવાના સહારે અભ્યાસ કરવા મજબુર બન્યા છે. ખંખરીયા ગામના ખેડૂત કાનાભાઇ અને તેમનો પરિવાર ખેતી કરી માંડ બે ટંકનો રોટાલો રળી રહ્યા છે ખેડૂતની સ્થિતિ સામાન્ય હોવાથી ઘરમાં ફક્ત એક જ બલ્બ છે અન્ય કોઈ પણ વીજ ઉપકરણ નથી તેમ છતાં વીજતંત્રએ ફટકારેલ અધધ બિલથી ખેડૂત નિઃસહાય હાલતમાં મુકાયો છે કાનાભાઇ નામના ખેડૂતને વીજકચેરીએ દર બે મહિને લાઈટ બિલ આપવામાં આવે છે

તે મુજબ કાનાભાઈને ડિસેમ્બર માસમાં બે મહિનાનું ૧૭૦૦ રૂપિયા લાઈટ બિલ આપવામાં આવ્યું હતું. ત્યાર પછી તેના પછી વીજતંત્રએ આગળના મહિનામાં ૩૨ હજાર રૂપિયા લાઈટ બિલ આપવામાં આવતાં ખેડૂતના પગ તળિયેથી ધરતી સરકી ગઈ હતી કાનાભાઈએ મેઘરજ યુજીવીસીએલની કચેરીએ લેખિતમાં અરજી પણ કરી છે, પરંતુ વીજતંત્ર ચોર કોટવાલને દંડે એમ ખેડૂતનું વીજ કનેક્શન જ કાપી નાખ્યું હતું.

કાનાભાઇ નામના ખેડૂતના જણાવ્યા અનુસાર વીજ કર્મચારીને આજીજી કરી કહ્યું કે, મારા ઘરમાં ફક્ત એક બલ્બ સિવાય કંઈ જ નથી તો આટલું બિલ કઈ રીતે આવે પરંતુ ગરીબનું કોઈ નથી એ કહેવત અનુસાર વીજ વિભાગના માણસોએ માણસાઈ રાખ્યા વગર કારમી ગરમીમાં ખેડૂતનું વીજ કનેક્શન કાપી નાખ્યું હતું વીજ કનેક્શન કાપ્યા બાદ વધુ ૭ હજાર ઉમેરી ૩૯ હજાર બિલ ફટકાર્યું હોવાનું જણાવ્યું હતું.

હાલ આકરી ગરમીમાં અને અધરાપટમાં ખેડૂત કાનાભાઈ જીવન વ્યતીત કરી રહ્યા છે,ત્યારે યુજીવીસીએલ વિભાગની બેદરકારીના કારણે ગરીબ ખેડૂત કાનાભાઈને હાલ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. એક તરફ ગરમી ચોમાસાનો સમય કોરોના મહામારી અને મચ્છરોનો ઉપદ્રવ આવી પરિસ્થિતિમાં લાઈટ વગર આખો પરિવાર દયનિય સ્થિતિમાં જીવી રહ્યો છે ત્યારે આ ગરીબ ખેડૂતને ન્યાય ક્યારે મળે છે તે જોવું રહ્યું. લી.જીત હરેશભાઈ ત્રિવેદી,ભિલોડા,જી.અરવલ્લી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.