અરવલ્લીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબકતા કૃષિ પાકોને વ્યાપક નુકશાનનો અંદાજ
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: બંગાળની ખાડીમાં લો ડીપ્રેશન સર્જાતા હવામાનમાં પલટો આવતાં છેલ્લા બે દિવસથી ઉત્તર ગુજરાતમાં વાદળછાયા વાતાવરણથી ગઈકાલ રાત્રે અનેક ઠેકાણે વરસાદના હળવાથી ભારે ઝાપટા પડયા હતા. જેના કારણે ખેતરોમાં ઉભા પાક લણી રહેલા ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફેલાયું હતું.
અરવલ્લી જીલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબકતા મગફળી, કપાસ, સોયાબીન, અડદ સહીત અન્ય પાક તૈયાર થઈ ગયો હોવાને કારણે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક ખેતરમાં લહેરાતો પાક જમીનદોસ્ત થઇ જતા અને ખેતરમાં લણીને રાખેલ મગફળી પલળી જતા ખેડૂતોની હાલત પડતા પર પાટુ જેવી થઈ છે.માર્કેટયાર્ડમાં વેપારીઓએ ખરીદેલ કૃષિપાક પલળી જતા ભારે નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે
શનિવારે રાત્રે અરવલ્લી જીલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતા ખેતરોમાં પણ લેવાયેલા પાક તેમજ ઘાસચારો પલળી જતાં વેપારીઓ અને ખેડૂતોને વ્યાપક નુકશાન થયું હોવાના અહેવાલો છે. જો આગામી દિવસોમાં હવામાન વિભાગના જણાવાયા મુજબ વધુ વરસાદ થશે તો ખાસ કરીને ખેડૂતના મોમા આવેલો કોળીયો ઝુંટવાઈ જવાની શક્યતા છે
જો એમ થશે તો દિવાળીના તહેવારોની ઉજવણીમાં કોઈ રસકસ રહે તેમ લાગતુ નથી. પછી તો કુદરત કરે તે ખરૂ. રવિવારે પણ જિલ્લાના મોટાભાગના સ્થળે વાતાવરણમાં આવેલા પલ્ટા બાદ આકાશ વાદળછાયુ રહ્યુ હતું જેના લીધે આખો દિવસ બાફ અને ઉકળાટનું પ્રમાણ વધુ અનુભવાયુ હતું. ભારે વરસાદ વચ્ચે મોડાસા સહિત કેટલાક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ જતાં અસહ્ય બાફ અને ઉકળાટ થી પ્રજાજનો ત્રસ્ત બન્યા હતા