અરવલ્લીમાં ઘાસચારાના ઓછા વાવેતરથી ઉનાળામાં અછતનાં એંધાણ
બાયડ, અરવલ્લી જિલ્લામાં રવી સીઝનની ખેતીમાં ઘાસચારાનું ઓછું વાવેતર થતાં આગામી ઉનાળામાં અછતનાં એંધાણ જણાઈ રહ્યાં છે. જિલ્લામાં ઓણસાલ ઓછો વરસાદ થતાં માત્ર ૯૦૪૪ હેક્ટર જમીનમાં ઘાસચારાનું વાવેતર થતાં ઉનાળા પૂર્વે સળગતો સવાલ પશુપાલકોને સતાવી રહ્યો છે.
ગત વર્ષે ઉનાળામાં પણ ઘાસચારાની અછત ઉભી થતાં પશુપાલકોને અન્ય જિલ્લામાંથી ઉંચા ભાવે ઘાસચારો ખરીદવાની નોબત આવી હતી. આ વર્ષે રવી સીઝનની ખેતીમાં ખેડૂતોએ વિવિધ ધાન્ય પાકોનું વાવેતર કર્યું છે. અનુકુળ ઠંડીનો માહોલ જળવાયેલો રહેતાં પાક ઉત્પાદન બમણું થવાની ધારણા છે
પરંતુ જિલ્લામાં આ વર્ષે ઘાસચારાનું નહીંવત વાવેતર જાેવા મળ્યું. જેના કારણે ઉનાળાની સીઝનમાં પશુપાલકોને સૂકો ઘાસચારો ખરીદવા માટે રજળપાટ કરવી પડે તેવી તાસિર ઉભરીને બહાર આવી છે. અરવલ્લીમાં ૫૫૬૫ હેક્ટર જમીનમાં જ મૂંગા પશુઓ માટે ઘાસચારાનું વાવેતર થયું છે જેથી ઉનાળામાં અછત ઉભી થવાની દહેશત છે.
જિલ્લામાં પશુપાલનનો વ્યવસાય રોજ વિકસતો જાય છે અને લાખો પશુઓની સંખ્યા સામે ઘાસચારાનું નહીંવત વાવેતર થયું હોવાથી પશુપાલકોએ અત્યારથી જ અન્ય જિલ્લામાંથી સુકું ઘાસ ખરીદવાની તૈયારી શરૂ કરી છે. જિલ્લામાં ગત વર્ષે પણ સૂકા ઘાસચારાની અછત ઉભી થતાં અન્ય જિલ્લામાંથી ઘાસ ખરીદવાની પશુપાલકોને ફરજ પડી હતી.
જ્યારે રવી સીઝનમાં અનુકુળ હવામાન અને સિંચાઈના પાણીની સગવડ છતાં મોટાભાગના ખેડૂતોએ રોકડીયા પાક તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું છે જેમાં ગણ્યા ગાંઠ્યા ખેડૂતોએ જ ઘાસચારાનું વાવેતર કર્યાનુ ખેતી સૂત્રો જણાવી રહ્યા છે.