અરવલ્લીમાં ઠેર ઠેર લાઈસન્સ વગર ધમધમતી ફટાકડાની હાટડીઓ
એસઓજી પોલીસે ૪ પરવાના વગર ફટાકડાનું વેચાણ કરતા વેપારીઓને ઝડપ્યા
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: દિવાળીને આડે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે મોડાસા શહેર સહિત જિલ્લાના કેટલાક સેન્ટારો ઉપર ગેરકાયદેસર રીતે ધમધમતા માર્ગો ઉપર દારૂખાનાની હાટડીઓ ધમધમી ઉઠી છે સમગ્ર જીલ્લામાં ગેરકાયદેસર પરવાના વગર ફટાકડાનું વેચાણ થતું હોવાનું જગજાહેર છે મોડાસા શહેરમાં માત્ર બે વેપારીઓને ફટાકડાના વેપાર માટે લાઇસન્સ મળ્યું છે
બીજીબાજુ ૧૦૦ થી વધુ દુકાનો અને સ્ટોલ ખડકી ફટાકડાનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે અરવલ્લી એસઓજી પોલીસે મોડાસા શહેરમાં સ્ટોલ ઉભા કરી ફટાકડાનું પરવાના વગર વેચાણ કરનાર ૪ શખ્સો સામે જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
મોડાસાના માલપુર રોડ,મેઘરજ રોડ સહિતના જાહેરમાર્ગો ઉપર સ્ટોલ બાંધી દારૂખાનાનું ધૂમ વેચાણ છેલ્લા અઠવાડીયાથી થઈ રહયું છે.જિલ્લા એસઓજી ની ટીમ દ્વારા મોડાસા નગરમા આવેલ ફટાકડાની દુકાનોમાં કહેવાતું ચેકીંગ હાથ ધરાયું હતું અને ૧૦૦ થી વધુ સ્થળોએ વગર મંજૂરીએ,
માન્ય જગા સિવાય અન્ય જગાએ,દુકાનની અંદર વેચાણ કરતા બહાર સ્ટોલ ઉભા કરી કરાતા વેચાણ સહિત ના છડેચોક કાયદા ભંગ છતાં તંત્રના જવાબદારોએ ઈરાદાપૂર્વક આંખ મીંચામણ કર્યા હોય એમ ફક્ત ચાર વેપારીઓ સામે જીલ્લા મેજીસ્ટ્રના જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી સંતોષ માની લીધો હોય તેવું લાગી રહ્યું છે
અરવલ્લી એસઓજી પીઆઈ જે પી ભરવાડ અને તેમની ટીમે મોડાસા શહેરમાં ગેરકાયદેસર પરવાના કે લાયસન્સ વગર સ્ટોલો ઉભા કરી ફટાકડાનું વેચાણ કરતા (૧) સુરેશભાઇ રાજુભાઇ પટની રહે.એ-૮ રત્નમેલ સોસાયટી, મોડાસા, તા.મોડાસા જિ.અરવલ્લી ના મોડાસા માલપુર રોડ ગાયત્રી મંદિર પાસે સ્ટોલ ઉભો કરી પરવાના વગર ફટાકડાનું વેચાણ કરતા હોય તથા (૨) કિરણભાઇ વિઠ્ઠલદાસ પંડ્યા રહે.
૪૫ રામપાર્ક સોસાયટી,મોડાસા, તા.મોડાસા, જિ.અરવલ્લી જુના બસ સ્ટેશન પાસે, સ્ટોલ ઉભો કરી પરવાના વગર ફટાકડાનું વેચાણ કરતા હોય તથા (3) રાજેશકુમાર રમેશભાઇ શાહ રહે.૧૫, નંદનવન સોસાયટી, સાર્વજનીક હોસ્પીટલ સામે, મોડાસા,તા.મોડાસા, જિ.અરવલ્લી,જુના બસ સ્ટેશન પાસે સ્ટોલ ઉભો કરી પરવાના વગર ફટાકડાનું વેચાણ કરતા હોય તથા (૪) ભરતભાઇ જીણાભાઇ પટણી રહે.જલદિપ સોસાયટી, મોડાસા, તા.મોડાસા, જિ.અરવલ્લી ના મોડાસા માલપુર રોડ પંજાબ નેશનલ બેંક પાસે સ્ટોલ ઉભો કરી પરવાના વગર ફટાકડાનું વેચાણ કરતા ૪ વેપારીઓ વિરૂધ્ધ જીલ્લા મેજીસ્ટ્રેટના ચાલતા જાહેરનામા ભંગ બદલ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
મોડાસામાં કાયમી પરવાના ભાડે અપાય છે ??
મોડાસા સહિતના વિસ્તારમાં આ વર્ષે હજુ હંગામી પરવાનાને મંજૂરી અપાઈ નથી.સંગઠીત ફટાકડા બજારની જગા ફળવાઈ નથી.જે સ્ટોલ કે સ્થળે ફટાકડા વેચાય છે ત્યાં ફાયર સેફટીના મુદ્દે લોલમલોલ વર્તાય છે ત્યારે કેટલાક ફટાકડાના કાયમી પરવાનાદાર કે જે અન્ય ધંધા સાથે જોડાયેલા છે તેઓ દ્વારા તેમના પરવાના ગેરકાયદેસર રીતે અઠવાડીયાના રૂ.૪૦ થી ૪૫ હજારના ભાડે અપાય છે.આવી કેટલાક દુકાનો મોડાસાની બજારોમાં ખુલી છે અને નૈવેધ ચડાવી ધૂમ ફટાકડાનું ગેરકાયદેસર વેચાણ થઈ રહયું છે.