અરવલ્લીમાં પૂજારીએ ભક્તની દીકરીને પ્રેમજાળમાં ફસાવી
ઘટના બાદ પુજારીએ યુવતીના પિતાને ધમકી આપી અને તેના ઘરે જઈ યુવતી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો
અરવલ્લી, મેઘરજમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં મંદિરના પૂજારીએ એક યુવતીને તેના પ્રેમજાળમાં ફસાવીને તેનું અપહરણ કરી ફરાર થઇ ગયો છે. અરવલ્લીના મેઘરજમાં રાયાવાડા ગામે ભગવાનની પૂજા કરતા પૂજારીની પ્રેમલીલાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો. આટલું જ નહીં, પણ ગામની યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેનું અપહરણ કરી થઈ ગયો ફરાર.
જે બાદ ગ્રામજનોમાં પણ રોષ છવાયો છે. આજથી અંદાજિત અઢી વર્ષ પહેલાં ગામના તળાવ પરના મંદિરમાં પૂજા કરવા માટે મેઘરજના જ કિશન પુરોહિતને પૂજારી તરીકે રાખવામાં આવ્યો હતો. દરમહિને પૂજા કરવા માટે તેને ૫ હજાર રૂપિયા પણ નક્કી કરવામાં આવ્યાહતા. ગ્રામજનો નાના મોટા પ્રસંગોમાં જમવા માટે પૂજારીને બોલાવી આદરસત્કાર કરતાં હતાં.
આ બધાની વચ્ચે પૂજારીને એક પરિવારનાં ઘરે અવારનવાર જમવા માટે બોલાવતા હતા. કિશન પુરોહિત જે પરિવારનાં ઘરે અવારનવાર જતો તે ઘરે એક યુવતી પણ હતી જેની સાથે પૂજારીની આંખો ચાર થઇ હતી. યુવતીનો પરિવાર જમાવા માટે બોલાવતો. જમ્યા બાદ ૨ કલાક ભક્તિ-પૂજાની વાતો કરતો હતો.
નવ માસ પહેલાં યુવતીનો પરિવાર દ્વારકા દર્શન માટે ગયો ત્યારે ૧૩-૯-૨૦૨૦ના દિવસે યુવતીનો જન્મ દિવસ હોવાથી કુટણ તળાવના મંદિરના મકાનમાં ઉજવણી કરી હતી. આ દરમિયાન પૂજારીએ યુવતીને એન્ડ્રોઈડ ફોન પણ આપ્યો હતો. પણ આ અંગેની જાણ યુવતીના પિતાને થથાં તેણે પૂજારીને પરત આપી યુવતીને ઠપકો આપ્યો.
આ ઘટના બાદ કિશન પુરોહિતે યુવતીના પિતાને ધમકી આપી અને તેના ઘરે જઈ યુવતી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ બાદ ૧૨ જૂન ૨૦૨૧ની રાતે પરિવાર જમીને સૂતો હતો. ત્યારે કિશન કારમાં આવી યુવતીનો હાથ પકડી તેને લઈ ગયો. જે બાદ પરિવારે મેઘરજ પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે, આરોપી કિશન પુરોહિતને આ કામમાં તેના બે મિત્રોએ મદદ કરી છે. હાલ પોલીસે યુવતીને લગ્નની લાલચે લલચાવી ફોસલાવી અપહરણ કર્યાની ફરિયાદના આધારે ત્રણ શખ્સો સામે ફરિયાદ દાખલ કરી છે. આ સાથે જ અલગ અલગ ટીમ બનાવી યુવતીને શોધવાની દિશામાં ચક્રોગતિમાન કર્યા છે.