અરવલ્લીમાં રૂરલ પોલીસે KUV કારની સીએનજી ટેન્કમાંથી અને ઇસરી પોલીસે બાઈક પરથી દારૂ ઝડપ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/03-2-1024x981.jpg)
ગુજરાતમાં દારૂ બંધી હોવા છતા રોજે-રોજ રાજ્યમાં દારૂ ઘુસાડવાનું ષડયંત્ર રચાતુ જ રહે છે. બુટલેગરો દર વખતે કોઈ નવો કીમિયો અજમાવી રાજ્યમાં દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરતા રહે છે, જ્યારે બીજી બાજુ પોલીસ પણ બુટલેગરોના ઈરાદા પર પાણી ફેરવવા માટે સધન ચેકિંગ સાથે બાતમીદારોનું નેટવર્ક મજબુત રાખી વિદેશી દારૂની હેરાફેરીને નિષ્ફળ બનાવી રહી છે.અરવલ્લી જીલ્લાની બોર્ડર પર રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના બુટલેગરોના ષડયંત્રને પોલીસે નિષ્ફળ બનાવ્યું છે. જીલ્લામાં સતત બુટલેગરો પાસેથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડવાનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે
મોડાસા રૂરલ પીઆઇ એમ.બી.તોમર અને તેમની ટીમે વાંટડા ટોલપ્લાઝા નજીક બાતમીના આધારે રાજસ્થાન તરફથી આવતી મહિન્દ્રા કેયુવી કારને અટકાવી તલાસી લેતા પોલીસને પ્રથમદ્રષ્ટિએ કઈ વાંધા જનક ચીજવસ્તુ હાથ લાગી ન હતી પણ બાતમી સ્ટ્રોંગ હોવાના પગલે કારમાં સઘન ચેકીંગ હાથધરાતા પાછળના ભાગે લગાવેલ સીએનજી ટેંકમાં ગુપ્તખાનું બનાવેલ મળી આવ્યું હતું ગુપ્તખાનામાં વિદેશી દારૂની બોટલ-૯૪ કીં.રૂ.૨૮૦૦૦/- નો જથ્થા સાથે ૧)રામદેવસિંહ ઘનશ્યામસીંહ ચુડાસમા,૨) અક્ષય સુરેશભાઈ ત્રામ્બડીયા (બંને,રહે,શાંતિધામ સોસાયટી,સાપર વેરાવળ) અને ૩)ભાવેશ ઘનશ્યામ બારૈયા (રહે,ગુંદાસરા,રીબડા) ને દબોચી લઇ ૪.૪૨ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા
ઇસરી પીઆઈ વી.વી પટેલ અને તેમની ટીમે રાજસ્થાનના અને હાલ અમદાવાદ શીવરંજની નહેરુનગર મિથાલીયા સોસાયટીમાં રહેતા અનીલ બાબુલાલ યાદવ અને રાજુ મોંઘાભાઇ યાદવ નામના બુટલેગરોને છિકારી ગામ નજીક રાજસ્થાન તરફથી બાઈક પર વિદેશી દારૂ સાથે ઝડપી લીધા હતા બંને પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ-૪૮ કીં.રૂ.૨૬૪૦૦/- તેમજ મોબાઈલ અને બાઈક મળી કુલ રૂ.૮૦૪૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી બંનેને જેલના સળિયા પાછળ ધકેલી દઈ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી છે