અરવલ્લીમાં લોકડાઉન અમલવારી માટે પોલીસ સજ્જ
અરવલ્લી: છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે પ્રધાનમંત્રીએ સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કર્યું છે. પરંતુ હજુયે કેટલાય લોકો કોઈપણ જાતની સુરક્ષા વગર બહાર ફરતા નજરે ચઢી રહ્યા છે. પોલીસ દ્વારા માનવતાના ધોરણે અનેક લોકોને જતા કર્યા છે પરંતુ હજુ લોકોમાં રોગની ગંભીરતા ન આવતી હોવાને કારણે અરવલ્લી જિલ્લા પોલીસતંત્રને લાલ આંખ કરવાની ફરજ પડી છે.
શુક્રવારના રોજ જીલ્લા પોલીસવડા મયુર પાટીલ મોડાસા ચાર રસ્તા પર અનેક કલાકો ઉભા રહી વાહનચાલકોને કાયદાનો પાઠ ભણાવ્યો હતો અરવલ્લી જિલ્લા પોલીસે કામ વગર બહાર નિકળતા ૧૦૦ જેટલા વાહનો ડિટેઈન કર્યા હતા. તેમજ ટોળાવળી બેસી રહેતા લોકો સામે પણ કાયદાકીય કાર્યવાહી હાથધરાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે સરકારે કોરોના વાઈરસનું સંક્રમણ દેશમાં વધુ ન થાય તે માટે લોકડાઉન સમગ્ર દેશમાં જાહેર કરી દીધું છે. આગામી ૧૪ એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરવા પાછળનું તાત્પર્ય માત્રને માત્ર લોકોને રોગની ચુંગાલમાંથી છોડાવવાનો છે ત્યારે લોકો પણ પોતાની વિવેક બુધ્ધિ મુકીને બહાર નિકળવાનું ચુકતા નથી.
કેટલાક કિસ્સાઓમાં જાત જાતના બહાના કાઢીને બહાર ફરી રહ્યા હોવાના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા છે. ત્યારે લોકો રોગની ગંભીરતાને અવગણતા હોય પોલીસ તંત્ર દ્વારા લાલ આંખ કરવાની ફરજ પડી છે. શુક્રવારના રોજ કાયદાનો કડક અમલ કરાવવા અરવલ્લી જિલ્લા પોલીસવડા મયુર પાટીલ પણ માર્ગ ઉપર ઉભા રહી ગયા હતા. જ્યારે અરવલ્લી પોલીસે જિલ્લામાંથી કુલ ૧૦૦ જેટલા વાહનો ડીટેઈન કરીને કાયદાની લાઠી ચલાવી છે ત્યારે હજુ પણ અરવલ્લી જિલ્લામાં સ્થિતિ હાથમાં છે જો લોકો નહીં સમજે તો લોકોને હેરાન થવાનો વારો આવે તો નવાઈ નહીં.
આભાર – નિહારીકા રવિયા