અરવલ્લીમાં વધુ ૬ કેસ કોરોના પોઝીટીવ આવતાં કુલ આંકડો ૨૮૨ પર પહોંચ્યો

પ્રતિનિધિ દ્વારા, ભિલોડા અરવલ્લી જિલ્લામાં કોરોનાનો ગ્રાફ સતત ઉંચે પહોંચી રહ્યો છે બુધવારે ચાર કેસ નોંધાયા બાદ ગુરુવારે પણ ૬ કોરોનાના પોઝેટીવ દર્દીઓ મળી આવતાં જીલ્લામાં કોરોનાનો આંક ૨૮૨ પર પહોંચ્યો છે મોડાસા શહેરની હુસેની સોસાયટીમાં રહેતા પતિ-પત્ની કોરોનામાં સપડાતા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા પહોચ્યા છે.
મોડાસા શહેરના સામાન્ય નાગરિકો સુધી હુસેની સોસાયટીમાં પતિ-પત્ની કોરોના પોઝેટીવ હોવાની માહિતી પહોંચી ગઈ હતી પરંતુ આરોગ્ય વિભાગ આ અંગે અજાણ હોય તેમ જીલ્લા આરોગ્ય તંત્રએ ગુરુવારે જીલ્લામાં નવા નોંધાયેલ કેસ માંથી કોરોનાગ્રસ્ત પતિ-પત્ની નો છેદ ઉડાડી દેતા લોકોમાં આરોગ્ય તંત્ર કોરોનાના આંકડા છુપાવવામાં માહેર બની ગયું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે જીલ્લામાં સૌથી સ્ફોટક સ્થિતિ મોડાસા શહેરની બની રહી છે
અરવલ્લી જીલ્લામાં આરોગ્ય તંત્રએ જાહેર કરેલા આંકડા મુજબ ૪ કોરોનાના કેસ નોંધાયા હતા.જેમાં મોડાસા શહેરની પાંચજયોત સોસાયટી અને મોદીની ખડકી ગાંધીવાડા એક-એક મહિલા,બાયડની ઓમ રેસિડેન્સીમાં રહેતા ૪૬ વર્ષીય પુરુષ અને અત્યાર સુધી કોરોના મુક્ત રહેલા માલપુર તાલુકામાં કોરોનાએ પગપેસારો કરતા વિક્રમપુરાના પહાડીયા ગામનો ૪૮ વર્ષીય પુરુષ કોરોનામાં સપડાયા હતા.જિલ્લામાં અત્યાર સુધી કુલ કોરોનાના કેસનો આંક ૨૮૨ એ પહોંચ્યો છે. રોજેરોજ ઉંચે જતા કોરોનાના ચેપના ફેલાવવાના ગ્રાફમાં ગુરુવારે અરવલ્લી જિલ્લામાં વધુ ૪ કેસ સાથે હવે કુલ કેસનો આંક ૩૦૦ નજીક પહોંચવાની તૈયારીમાં છે તમામ ૬ દર્દીઓ હાલ કોરોનાની સારવાર અર્થે હોસ્પિટલાઈઝ થયા હતા.
મોડાસા શહેરમાં આરોગ્ય તંત્ર કોરોના સામે કામગીરીમાં નબળું પુરવાર થતાં કોરોના હાવી થઈ રહ્યો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. મોડાસા શહેરમાં દિવસેને દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યું હોય તેમ રોજે રોજ કોરોના પોઝીટીવ કેસો બહાર આવી રહ્યા છે. જિલ્લા તેમજ મોડાસા શહેરમાં લોકલ સંક્રમણનો ભરડો વ્યાપક બન્યો છે. કોરોનાનો કહેર દિવસેને દિવસે ખૂબ જ વધી રહ્યો છે.
જો આવનારા સમયમાં નાગરિકો દ્વારા સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનો ચુસ્ત અમલ ન થાય તો આ મહામારીને વધુ ભયાવહ સ્થિતિ તરફ જતા કોઈ જ રોકી નહી શકે.એકલા મોડાસા શહેરમાં જ અંદાજે ૧૩૪ નજીક કોરોના ના કેસનો આંક પહોંચી ગયો છે.આમ હવે જિલ્લાના અનેક તાલુકાઓમાં પણ ધીમે-ધીમે કોરોનાના કેસમાં વધારો થઈ રહયો છે.આમ અત્યાર સુધી અરવલ્લી જિલ્લામાં કુલ ૨૮૨ કેસ કોરોના પોઝીટીવ નોંધાયા હતા.જિલ્લામાં વધી રહેલા લોકલ સંક્રમણથી લોકોમાં ગભરાટની લાગણી ફેલાઈ છે. ગુરુવારે આવેલ ૪ કેસના સ્થળોને જિલ્લા કલેકટર દ્વારા કન્ટેઈમેન્ટ ઝોન જાહેર કરી લોકલ અવર જવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો.