અરવલ્લીમાં ૧૦ મહિના પછી પણ હજુ ૧.૪૫ લાખ લોકોએ રસી મૂકાવી નથી
મોડાસા, રાજ્ય સરકાર અને અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગના કેટલાય પ્રયાસો પછી પણ રસીકરણ અભિયાનના આરંભના ૧૦ માસ વિતવા છતાં હજુ ૧,૪૫,૯૧૩ વ્યક્તિઓ કોવિડ-૧૯ રસી મેળવવા કેન્દરો સુધી પહોંચ્યા જ નથી.
ત્યારે હવે રાજ્યમાં દિવાળી પછી વધેલા કોરોના સંક્રમણ અને સાબરકાંઠા જિલ્લામાં ૪ કોરોના પોઝિટિવ એક્ટિવ કેસને લઇ અરવલ્લી જિલ્લામાં રસીકરણથી બાકી રહેલા ૧.૪૫ લાખ નાગરિકોને લઈ સંભવિત સંક્રમણનો ફફડાટ વર્તાઈ રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં નિર્ધારિત લક્ષ્યાંક ૮,૩૫,૩૯૫ની સામે વ્યક્તિઓને બીજાે ડોઝ તંત્ર દ્વારા પૂરો પડાયો છે.
જિલ્લામાં હજુ સુધી ૧.૪૫ લાખ નાગરિકોએ કોરોનાની રસી લીધી જ નથી અને ૮૯૩૦૨ લોકોને રસીનો બીજાે ડોઝ લેવાનો હજુ બાકી છે.
અરવલ્લી જિલ્લામાં ૧૬ જાન્યુઆરી-૨૦૨૧થી રસીકરણ અભિયાન હાથ ધરાયું હતું. જિલ્લામાં રસીકરણ ઝુંબેશના ૧૦ માસના ૩૦૦ દિવસના ગાળા દરમ્યાન કેટલીકવાર રસીકરણની મેગા ડ્રાઈવ પણ તંત્ર દ્વારા યોજવામાં આવી હતી. જિલ્લાની ૧૧ લાખની વસ્તી પૈકી રસીપાત્ર ૮,૩૫,૩૯૫ વ્યક્તિઓનો નિર્ધારીત લક્ષ્યાંક સિદ્ધ કરવા જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ સરકારની વ્યાપક ઝુંબેશ હાથ ધરાઈ હતી. તેમ છતાં ૮૭ ટકા લક્ષ્યાંક સિદ્ધ હાંસલ કરવામાં આવી છે.
વહીવટી તંત્રના પ્રયાસો છતાં કેટલીક માનસિકતા, ભય કે પછી અપપ્રચારથી દોરવાઈ આવા લોકો રસી મેળવવા કેન્દ્રો સુધી પહોંચ્યા નથી. જિલ્લામાં ૧૫ હજારથી વધુ વ્યક્તિઓ રસીનો બીજાે ડોઝ ડ્યુ હોવા છતાં રસીનો બીજાે ડોઝ લેવાં આવ્યાં નથી એટલે ૮૯૩૦૨ વ્યક્તિઓને રસી સત્વરે પૂરી પડાય તે જરૂરી બન્યું છે.