Western Times News

Gujarati News

અરવલ્લીમાં ૭૯ નિવૃત લશ્કર જવાનો પોલીસની મદદે આવ્યા

લોકડાઉનની કડક અમલવારી માટે પોલીસ અને એક્સ આર્મીની ફેલગ માર્ચ યોજાઈ

કોરોનાનો કહેર હાલ ચાલી રહ્યો છે જેમાં વ્યક્તિઓ એકબીજાની નજીક આવે અથવા એક બીજાને અડી પણ જાય તો સંક્રમીત થવાનો ભય છે. ત્યારે સમગ્ર ભારત દેશમાં સરકાર દ્વારા આગામી ૩ મે સુધીલોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. લોકડાઉનનો સતત પોલીસ દ્વારા ખડેપગે રહીને અમલ કરાવવામાં આવી રહ્યો છે. કેટલીક જગ્યાએ લોકો જાતે પરિસ્થિતિ સમજતા ન હોવાથી પોલીસે લાલઆંખ કરવાની પણ ફરજ પડી છે. ત્યારે મોડાસામાં જુદી જુદી જગ્યાએ પોલીસ અને એક્સ આર્મી દ્વારા ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી અને લોકોને ઘરમાં જ રહેવા માટે સમજાવવામાં આવ્યા હતા.

કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે સરકારે આખા દેશમાં ૩ મે સુધી લૉકડાઉન લંબાવ્યું છે. લોકો લૉકડાઉનનો કડક અમલ કરે તે માટે તંત્ર ખૂબ પ્રયાસ કરી રહ્યું છે.અરવલ્લી જિલ્લામાં અનેક જગ્યાએ લોકો લૉકડાઉનનું સમર્થન કરતા જોવા મળ્યા હતા. તો અમુક જગ્યા પર લોકો પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હોવાનું પણ સામે આવ્યું હતું. તંત્ર દ્વારા સતત લોકોની ભીડ એકઠી ન થાય અને રોગનું સંક્રમણ ફેલાય નહીં તે માટે ખડેપગે પ્રયાસો કરાઈ રહ્યા છે.

જો કે હજુ પણ કેટલાય લોકો પરિસ્થિતિને સમજતા ન હોવાનું પણ ધ્યાને આવે છે. કોરોનાના ભયંકર રોગને કઈ રીતે રોકી શકાય તે માટે હજુ કેટલાય લોકોમાં જાગરૂકતા ન આવી હોય તેમ કેટલીય જગ્યાએ લોકોની ભીડ જોવા મળે છે. જાતે જ સોશીયલ ડીસ્ટનીંગ લોકો જાળવી શકતા ન હોવાને કારણે પોલીસને ન છુટકે લાલ આંખ કરવાની ફરજ પડે છે.

મોડાસામાં પોલીસ અને એક્સ આર્મી દ્વારા મોડાસાના અનેક વિસ્તારોમાં ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી. મોડાસામાં ચાર રસ્તાથી લઈને કોલેજ રોડ, માલપુર રોડ, ડિપ વિસ્તાર સહિતના વિસ્તારોમાં અરવલ્લી જિલ્લા પોલીસવડા મયુર પાટીલની રાહબળી હેઠળ ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી.

અરવલ્લી જિલ્લામાં ૭૯ એક્સ આર્મી ફરજ પર

કોરોના સામે લડવાના કામમાં હજુ પોલીસ સ્ટાફ ઓછો હોવાથી સરકારે એક્સ આર્મીમેનનો સંપર્ક કરી સેવામાં લેવા માટે દરેક જિલ્લાકક્ષાએ જણાવવામાં આવ્યું હતું. ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસવડા મયુર પાટીલ સાથે ટેલીફોનીક વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે સરકારની ગાઈડલાઈન મુજબ જિલ્લામાં ૩૨૫ એક્સ આર્મીમેનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાંથી હાલ ૭૯ એક્સ આર્મીમેન હાજર થયા છે. જેઓની સેવાઓ હાલ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમ અન્ય એક્સ આર્મીમેન સંપર્ક કરશે તેમ તેઓને સેવામાં જોડવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.