અરવલ્લી એલસીબી પોલીસ ઉપર હુમલો કરનાર ચારે બુટલેગરો સામે પાસા હેઠળ ગુનો નોંધવા તજવીજ
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જિલ્લા પોલીસવડાના હેડ કવાર્ટર ખાતે આવેલી એલસીબી પોલીસ કચેરીમાં બુટલેગરો દ્વારા પોલીસકર્મી ઉપર કરાયેલ ઘાતકી હુમલાની ઘટનાએ રાજયભરમાં ચકચાર મચાવી છે.ત્યારે પ્રોહીબીશન એકટ હેઠળ ઝડપાયેલા આ આરોપીઓ વિરૃધ્ધ હત્યા પ્રયાશનો ગુનો નોંધી ચારેય બુટલેગર હુમલાખોરોને મોડાસા ખાતે કોર્ટમાં રજૂ કરાયા હતા
ચારેય હિસ્ટ્રીશીટર શખ્શોએ યોજનાબદ્ધ રીતે પોલીસપર હુમલો કરી નાસી છૂટવા પ્લાન બનાવ્યો હતો જેમાં બે બુટલેગર ઉંઘી જવાનું નાટક કર્યું હતું અને અખિલેશ ડૂબેની પૂછપરછ ચાલુ હતી ત્યારે પોલીસકર્મીઓની ચહલ પહલ ઓછી થતાની સાથે વસીમે પઠાણે દારૂની બોટલ વડે હુમલો કરી દીધો હતો અને ચારેય આરોપીઓ કસ્ટડીમાંથી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો પણ અન્ય પોલીસકર્મીઓએ પ્લાન નિષ્ફળ બનાવ્યો હતો હિસ્ટ્રીશીટર ૪ બુટલેગરોએ ફિલ્મી સ્ટાઇલ નાસી છૂટવાનો પ્લાન બનાવ્યો હોવાની માહિતી પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ હતી
એલસીબી પોલીસે આ આરોપીઓને પાંચ દિવસના રીમાન્ડ ઉપર મેળવવાની અરજી કોર્ટ સમક્ષ રજૂ કરી હતી.પરંતુ કોર્ટે રીમાન્ડ અરજી નામંજૂર કરતાં આ આરોપીઓને જયુડીશીયલ કસ્ટડી હવાલે કરાયા હતા.પોલીસની હત્યાનો પ્રયાસ કરનાર આ આરોપીઓ સામે વધુ એક રીમાન્ડ અરજી કોર્ટમાં રજુ કરવામાં આવનાર હોવાનું અને આ બુટલેગર હુમલાખોરો સામે પાસા કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું સૂત્રો દ્વારા જણાવાયું હતું.
અરવલ્લી એલસીબી પોલીસની ટીમે ગત સોમવારના રોજ મોડાસા નજીકના ગાજણકંપા સ્ટેન્ડ પાસે ના માર્ગેથી ધોળે દહાડે પસાર થતી.વિદેશી દારૂ ભરેલી ગાડી સાથે પાયલોટીંગ કાર મળી કુલ ૪ આરોપીઓ ઝડપ્યા હતા.આ આરોપીઓ દ્વારા વાહનમાં વિદેશી દારૂ બીયરની ૧૨ પેટીઓ ભરી રાજયમાં ઘુસાડાઈ રહી હતી.જેથી એલસીબી પોલીસે ૧.૬૮ લાખના દારૂ-બીયરના જથ્થા સહિત લાખ્ખો રૃપિયાનો મુદ્દામાલ કબ્જે કરી ફરાર એક આરોપીની શોધખોળ હાથ ધરી હતી.એલસીબી પોલીસે ઝડપી પાડેલ આ ચારેય બુટલેગરો કે જે અમદાવાદની કુખ્યાત ફ્રેકચર ગેંગના હોવાનું જણાઈ આવ્યું હતું.
તેઓનો કોવિડ-૧૯ ટેસ્ટ હાથ ધરાવી ઈન્વેસ્ટીગેશન માટે એલસીબી કચેરીમાં લવાયા હતા.પોલીસની તપાસ દરમ્યાન આ ચારેય આરોપીઓ પૈકીનો વસીમ પઠાણ પુછપરછમાં એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ટેબલ ઉપર પડેલ સેમ્પલ તરીકેની દારૂની બે બોટલો ટેબલ ઉપર ફોડી તૂટેલી બોટલની તીક્ષ્ણધારો પોલીસ કોન્સ્ટેબલ કેતન ભાટીયા ના કપાળે અને હાથમાં ઘુસાડી દઈ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.પોતાના સાથી કર્મી ઉપર હુમલો થતાં અન્ય બે પોલીસ કર્મીઓએ આ આરોપીઓને અટકાવવા પ્રયાશ હાથ ધરતા અન્ય ત્રણ બુટલેગરોએ પણ બાથે પડી જઈ પોલીસ કર્મી.ઓ ઉપર હુમલો કરી દીધો હતો.બોટલના તીક્ષ્ણ કાચ વડે કરાયેલ હુમલામાં લોહી લુહાણ થયેલ પોલીસ જવાનને તાબડતોડ સારવાર અર્થે ખસેડાયા હતા.જયા સારવાર દરમ્યાન કેતનભાઈ ભાટીયા ને ૯ ટાંકા આવ્યા હતા.
પોલીસવડાની કચેરીમાં જ પોલીસકર્મીઓ ઉપર બુટલેગરો દ્વારા કરાયેલ હુમલાના ચારેય બુટલેગરો વિરૂધ્ધ ઈપીકો કલમ ૩૦૭ હત્યા પ્રયાશનો ગુનો નોંધી આ આરોપીઓના ૫ દિવસના રીમાન્ડની માંગ સાથે મોડાસા કોર્ટમાં રજુ કરાયા હતા.પરંતુ કોર્ટે રીમાન્ડ અરજી રદ કરતાં આ આરોપીઓને જયુડીશીયલ કસ્ટડીના હવાલે કરાયા હતા.જોકે આ ચારેય આરોપીઓ વિરૃધ્ધ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કલમ ૩૦૭ હેઠળ ના ગુનાને લઈ પુનઃ આ આરોપીઓ વિરૂધ્ધ રીમાન્ડની માંગ કરવામાં આવનાર હોવાનું અને આ ફ્રેકચર ગેંગના ખૂંખાર આરોપીઓ વિરૂધ્ધ પાસા ના કાયદા હેઠળ ગુનો નોંધવા ની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જણાવાયું હતું.
પોલીસ જવાન ઉપર ઘાતકી હુમલો કરનાર વસીમ પઠાણ હત્યાના ગુનાનો આરોપી
અરવલ્લી એલસીબી એ ઝડપી પાડેલા ફ્રેકચર ગેંગના ખૂખાર ચાર આરોપીઓ વિરૂધ્ધ જુદાજુદા પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયા હોવાનું એલસીબી ઈન્સ્પેકટર આર.કે.પરમારે જણાવ્યું હતું.આરોપી વસીમ પઠાણ કે જેને કાચની તૂટલી બોટલ વડે પોલીસ જવાન ઉપર હુમલો કર્યો હતો.તે આરોપી હત્યાના ગુનાનો આરોપી છે.જયારે તેના વિરૂધ્ધ વધુ ૧૭ ગુનાઓ નોંધાયેલા છે.અખિલેશ નામનો આરોપી તડીપાર છે.જયારે અન્ય આરોપીઓ વિરૂધ્ધ સોપારી લેવાના કે ખંડણી ઉઘરાવાના ગુના નોંધાયેલા છે.