અરવલ્લી જિલ્લામાં ખનીજ વહન કરતા ટ્રક ડ્રાઇવર યુનિયનની રચના કરવામાં આવી
બાયડ તાલુકાના જાણીતા સામાજિક કાર્યકર મનહરસિંહ પરમાર ની અધ્યક્ષતામાં મોટી સંખ્યામાં ખનીજ વહન કરતા ટ્રકોના ડ્રાઇવરોએ ધનસુરા તાલુકાના વડાગામ ખાતે એકઠા થઇ યુનિયનની રચના કરી હતી,તેમજ વેતન વધારો કરવાની માંગ કરી હતી….
અરવલ્લી જિલ્લામાં ખુબ મોટા પ્રમાણમાં ક્વોરી ઉદ્યોગ આવેલા છે જેના કારણે ટ્રાન્સપોર્ટ ઉધોગ પણ ધમધમે છે,અને ઘણા પરિવારો ક્વોરી ઉદ્યોગ તેમજ ટ્રાન્સપોર્ટ ઉધોગ પર નભે છે,ત્યારે આજ રોજ ડ્રાઇવરોએ વેતન વધારાની પ્રબળ માંગ સાથે ધનસુરા તાલુકાના વડાગામ ખાતે ડ્રાઇવર યુનિયનની રચના કરી હતી.
ટ્રક ડ્રાઇવર યુનિયન ને બાયડ તાલુકાના જાણીતા સમાજ સેવક મનહરસિંહ પરમારે સમર્થન આપ્યું હતુ,અને વધુમાં તેમણે જણાવ્યું હતું કે વેતનને લઇને ખનીજ વહન કરતા ડ્રાઇવરોનું અત્યાર સુધી શોષણ થતું હતું,પરંતુ હવેથી શોષણ નહી ચલાવી લેવાય….
વધુમાં ખનીજ વહન કરતા વાહનોના ડ્રાઇવરોએ મોટી સંખ્યામાં હાજર રહી આવનાર દિવસોમાં જો તેમની વેતન વધારાની માંગ સંતોષવામાં નહી આવે તો હળતાલ પર ઉતારવાની ચીમકી ઉચ્ચારી હતી.. ઉલ્લેખનિય છેકે, હાલમાં ખનીજ વહન કરતા ટ્રાન્સપોર્ટ યુનિયન દ્વારા ડિઝલના ભાવમાં અસહ્ય વધારો થવાના કારણે હળતાલ ઉપર છે,ત્યારે ડ્રાઇવરો દ્વારા વેતન વધારાની માંગ ટ્રક માલિકો માટે માઠા સમાચાર છે.