અરવલ્લી જિલ્લામાં ત્રિપલ અકસ્માતમાં છથી વધારે લોકોનાં મોતની આશંકા

અરવલ્લી, અરવલ્લી જિલ્લામાં આજે મોટી માર્ગ હોનારત બની છે. જેમાં મોડાસાના આલમપુર પાસે ભયાનક ત્રિપલ અકસ્માત થયો છે. અકસ્માતમાં છથી વધારે લોકોનાં મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.
મળતી માહિતી પ્રમાણે અકસ્માતને પગલે મોડાસા-નડિયાદ હાઇવે પર ટ્રાફિક થંભી ગયો હતો. અકસ્માત બાદ ત્રણેય વાહનોમાં આગ લાગી ગઈ હતી. અકસ્માત બાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગયું હતું અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યાં હતા.
આ ઉપરાંત આરટીઓ અધિકારી, મોડાસા મામલતદાર અને ફાયર ઓફિસર પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. આગમાં ત્રણેય વાહનો બળીને ખાખ થઈ ગયા છે.
અરવલ્લી જિલ્લાના મોડાસાના આલમપુર ગામ નજીક બે ટ્રક અને એક કાર વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી. ટક્કર બાદ કેમિકલ ભરેલા ટેન્કરમાં ભયંકર આગ લાગી ગઈ હતી.
આગને પગલે મોડાસા-નડિયાદ હાઈવે બંધ થઈ ગયો હતો. હાઇવેની બંને તરફ આશરે ૧૦ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો.બાદમાં ટ્રાફિકને ડાઇવર્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે સવારે ૧૦ વાગ્યની આસપાસ આ બનાવ બન્યો હતો. સ્થાનિકના જણાવ્યા પ્રમાણે અંદર સાતથી આઠ લોકો ફસાયા હોવાની શક્યતા છે. આગના કોલ બાદ ફાયરના ત્રણ ટેન્કરથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત મોડાસાના મામલતદાર પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા.
મોડાસા મામલતદારના કહેવા પ્રમાણે બે ટ્રકની ટક્કર બાદ આગ લાગી હોઈ શકે છે. એક સીએનજી ગાડી હોય તેવી પણ શક્યતા લાગી રહી છે. મળતી માહિતી પ્રમાણે અકસ્માતમાં એક વ્યક્તિને બચાવી લેવાયો હતો. જેને ૧૦૮ની મદદથી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
વાહનોની ટક્કર બાદ લાગેલી આગ એટલી ભયંકર હતી કે ત્રણેય વાહનો બળીને ખાખ થઈ ગયા છે. અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.HS1