અરવલ્લી જિલ્લામાં સુજલામ સુફલામ અંતર્ગત ૧૫૭ કામ પૂર્ણઃ ૫૧૮ કામ પ્રગતિ હેઠળ

સાકરિયા: રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાના મહત્વાકાંક્ષી અભિયાન સુજલામ સુફલામ જળ અભિયાનનો રાજ્યવ્યાપી ત્રીજો તબક્કો તા. ર૦ એપ્રિલથી શરૂ કર્યો છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં પણ જળ સંચયના ૧૨૬૭ કામો હાથ ધરાયા છે. સમગ્ર રાજ્યમાં રૂ. ૪૧૪ કરોડના ખર્ચે ૧૪,૬૯૪ કામો રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કામોમાં મુખ્યત્વે જળસંચયના કામો, મનરેગા અંતર્ગત તેમજ લોકભાગીદારીથી હાથ ધરાશે. રાજ્યમાં આ સુજલામ સુફલામ જળ અભિયાનના બે તબક્કા અત્યાર સુધીમાં સફળતાપૂર્વક પાર પડયા છે. આ દરમ્યાન બે વર્ષમાં ર૩,પ૦૦ લાખ ઘનફૂટ માટી-કાંપ ખેડૂતોએ કાઢી છે અને પરિણામે રાજ્યમાં જળસંગ્રહ ક્ષમતામાં વૃદ્ધિ થઇ છે.અરવલ્લી જિલ્લામાં અભિયાન અંતર્ગત કરવાના થતા કામો માસ્ટર પ્લાન મુજબ ૧૨૬૭ કામો હાથ ધરનાર છે, જેમાંથી૧૫૭ કામો પૂર્ણ કરવામાંઆવ્યા છે. જયારે ૫૧૮ કામો પ્રગતિમાં છે. ચાલુ વર્ષે જળસંપત્તિ વિભાગના ૧૦૧૦, પાણી પુરવઠાના ૫૧, ગ્રામ વિકાસના ૧૦૮, વન વિભાગના ૬૯, વોટર શેડના ૨૩ તેમજ શહેરી વિસ્તારના ૬ મળી કુલ ૧૨૬૭ કામ કરાશે જેમાં જિલ્લા કલેકટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકરે સુજલામ-સુફલામ યોજના અંતર્ગત તળાવો ઉડા કરવાના ચાલતા કામો પૈકી મોડાસા નજીક ગાજણના તળાવની જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરે મુલાકાત લઈ ત્યાં ચાલતા તળાવ ઊંડું કરવાના કામનું જાત નિરીક્ષણ કર્યું હતું.