અરવલ્લી જિલ્લા પ્રભારી સચિવ મોડાસાના કન્ટેન્ટમેન્ટ વિસ્તારની મુલાકાતે
શહેરના ટ્રાન્સપોર્ટ સોસાયટી, અમનપાર્ક અને ચાંદ ટેકરી વિસ્તારની મુલાકાત લઇ જરૂરી સૂચન કર્યા.
સાકરિયા: અરવલ્લી જિલ્લામાં કોરોના વાયરસનો વ્યાય શહેર અને ગ્રામિણ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે ત્યારે જિલ્લામાં કોરોનાનો આંક ૨૫૦ને પાર પંહોચી ગયો છે જયારે શહેરમાં ૧૦૦થી વધુ કેસ નોંધાયા છે જેને લઇ અરવલ્લી જિલ્લા પ્રભારી સચિવ શ્રી રૂપવંતસિંઘે મોડાસા શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઇ જરૂરી સૂચન કર્યા હતા.
મોડાસા શહેરમાં કોરોનાનું સંક્રમણનું જોખમ વધવાની શક્યતાને લઇ શહેરના ૬૦થી વધુ વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ ઝોન હેઠળ આવરી લેવાયા છે. આવા વિસ્તારમાં અવર-જવર પર પ્રતિબંધ મુકાયો છે, આવા નિયંત્રણ હેઠળના વિસ્તારોની અરવલ્લી જિલ્લા પ્રભારી સચિવ શ્રી રૂપવંતસિંધે મુલાકાત લીધી હતી. જેમાં મોડાસા શહેરમાં કોરોનાના કેસ મળી આવ્યા છે તેવા ટ્રાન્સપોર્ટ નગર સોસાયટી,અમનપાર્ક, શિવવીલા, કાર્તિકેય સોસાયટી અને ચાંદ ટેકરી વિસ્તારના લોકોને મળી તેમને મળતી આરોગ્ય સેવા અંગે પુછપરછ કરી હતી.
આ ઉપરાંત તેમણે ધન્વંતરી રથ દ્વારા શહેરીજનોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી છે તેની સ્થળ પર જઇ મુલાકાત લીધી હતી. પ્રભારી સચિવશ્રીએ જિલ્લા અને શહેરમાં વધતા જતા કોરોનાના કેસને લઇ અસરકારક પગલા લેવા અંગે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ મુલાકાત વેળાએ જિલ્લા સમાહર્તા શ્રી અમૃતેશ ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકાર શ્રી ડૉ. અનિલ ધામેલીયા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.