અરવલ્લી : જીલ્લા સેવાસદનમાં આધારકાર્ડ કાઢવાની કામગીરી લેપટોપ બગાડતા બંધ થતા અરજદારોનો હોબાળો
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: આધાર કાર્ડ હવે લગભગ બધી જગ્યાએ ફરજિયાત ડોક્યુમેન્ટ થઈ ગયું છે. ખાસ કરીને સરકારની દરેક યોજનાઓ સાથે આધાર કાર્ડને જોડી દેવાયું છે. આધાર કાર્ડની જ્યારે શરૂઆત થઈ ત્યારે તો ઘણી સહેલાઈથી નીકળી જતું હતું, પણ હવે, આધાર કાર્ડ કઢાવવું હોય તો સાત કોઠા ભેદવા જેવું કપરું કામ થઈ ગયું છે અરવલ્લી જીલ્લામાં આધારકાર્ડ કઢાવવા જતા અરજદારોને સર્વર ડાઉન હોવાનું જણાવી આધારકાર્ડ માટે ધરમધક્કા ખવડાવવામાં આવતા હોવાની બૂમો વચ્ચે અરવલ્લી જીલ્લા કલેક્ટર કચેરી ખાતે આધારકાર્ડ કાઢી આપતી એજન્સીના કર્મચારીઓએ લેપટોપ બંધ થઇ જતા કામગીરી અટકાવી દેતા અરજદારોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો
વહેલી સવારથી આધારકાર્ડ કઢાવવા ઉભેલ લોકોએ હોબાળો કરી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી હતી પરંતુ અરજદારોની રજુઆત તંત્રના બહેરા કાને અથડાઈ પરત ફરી હતી
ત્યારે બુધવારે વહેલી સવારથી આધારકાર્ડ કઢાવવા ભૂખ્યા તરસ્યા ઉભા રહેલા અરજદારોને આધારકાર્ડ કાઢવાની કામગીરીમાં ઉપયોગમાં લેવામાં આવતા લેપટોપમાં ખામી સર્જાતા કામગીરી બંધ કરતા અને લેપટોપ રીપેર થયા પછી આધારકાર્ડ કાઢવાની કામગીરી શરુ કરવામાં આવશેનું જણાવતા આધારકાર્ડ કઢાવવા લાઈનમાં ઉભેલા ઉમેદવારોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો અને વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી હતી આધારકાર્ડ કાઢવાની કામગીરી લેપટોપના અભાવે બંધ થતા અરજદારોએ હારી થાકી પરત ફરતા ધરમધક્કો ખાવો પડ્યો હતો