અરવલ્લી સહીત ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ ખેડૂતોનો વેરી બન્યો પાક નિષ્ફ્ળની ભીતિ
અરવલ્લી જીલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં ગુરુવારે સવાર થી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો વાદળછાયા વાતાવરણ પછી સાંજે ઠંડા પવનની શીત લહેરો વચ્ચે ઠેર ઠેર કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થશે તેવી આશંકા સેવવામાં આવી રહી છે. શુક્રવારે પણ વાદળછાયું વાતાવરણ રહેતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. જો માવઠું વધારે પ્રમાણમાં થશે તો રવિ પાકને પારવાર નુકશાન થઈ શકે છે. રવિ પાક ઉપરાંત કેરીમાં પણ નુકશાની થવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. લાંબુ ચોમાસું અને કમોસમી વરસાદના કારણે અગાઉથી જ ખેડૂતોની સ્થિતિ ખરાબ હતી આમ ફરીથી જો કમોસમી વરસાદ પડે તો ખેડૂતોને રોવાનો વારો આવે તેવી સ્થિતિ પેદા થઈ છે
સાબરકાંઠા-અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતના લોકો માટે મુખ્યત્વે ખેતી અને પશુપાલન ઉપર આધારીત જીલ્લો છે. ત્યારે એક તરફ શિયાળાની વિદાય થઈ રહી છે અને ઉનાળાનું ધીમે પગલે આગમન થઈ રહ્યું છે. રાજ્યના વાતાવરણમાં આવેલા પલટાને કારણે અરવલ્લી જિલ્લાના માલપુર, મોડાસા, ભિલોડા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા થયા છે, જેને લઇને ખેડૂતોના માથે ચિંતાના વાદળો છવાઈ ગયા છે,, અરવલ્લી જિલ્લામાં અંદાજે ૧૨૩૧૮૧ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે,
જેમાં ઘઉં ૭૮૪૦૯ હેક્ટર, મકાઈ-૧૨૯૯૦ હેક્ટર,તેમજ બટાટાનું અંદાજે ૧૮૦૧૪ હેક્ટરમાં વાવેતર થયું છે, ત્યારે ગત મોડી રાત્રે કમોસમી વરસાદી ઝાપટાને કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. અરવલ્લી જિલ્લામાં હાલ બટાટા કાઢવાની શરૂઆત કરવામાં આવી છે, તો મોટા ભાગના બટાટા હજુ ખેતરમાં જ છે ત્યારે બટાટા અને ઘઉંના પાકમાં નુકશાની વેઠવાની નોબત પેદા થતા ખેડૂતો ચિંતિત બન્યા છે
ઉત્તર ગુજરાતમાં એકાએક વાતાવરણમાં પલ્ટો આવતા અને કમોસમી માવઠાના પગલે ખેડૂતો દ્વારા ખેતરમાં ઉભા પાકને તેમજ જે પાક કાપીને મુકવામાં આવ્યો છે. તેવા પાક ભીનો થવાથી ખેડૂતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદથી હાલમાં ખેતરમાં ઉભા પાક જેવા કે જીરૂ, સુવા, ચણા, રાઈ, વરિયાળી, શાકભાજી વગેરે પાકમાં ખેડૂતોએ સાવચેતી અને સલામતીના પગલા લેવાનું જીલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને જણાવવામાં આવ્યું છે તો બીજી તરફ પાકની કાપણી કરેલ હોય તો વરસાદથી પાક ભીંજાય નહી
તે માટે કાપણી કરેલ તૈયાર પાક ગોડાઉન અથવા સુરક્ષિત જગ્યાએ રાખવા કાળજી લેવી. જીરૂ, ઘંઉ, રાઈ, શાકભાજી વગેરે પાકમાં ઉભા પાકોમા પિયત ટાળવું. ખેતરમાં રહેલ ઘાસચારાના ઢગલા વ્યવસ્થિત જગ્યાએ ઢાંકીને રાખવા, ફળ પાકો/શાકભાજી ઉતારીને બજારમાં સુરક્ષિત રીતે જ પહોંચાડવા જણાવ્યું હતું