અરવલ્લી ACBની રનીંગ ટ્રેપમાં ફોરેસ્ટર આબાદ સપડાયો

પ્રતિકાત્મક
જલાઉ લાકડા ભરેલ ટ્રક ચાલક પાસેથી રૂ.૩૦૦ ની લાંચ લેતા ઝડપાયો
(પ્રતિનિધિ) ભિલોડા, રાજ્યમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે. સામાન્ય કારકૂનોથી લઈને મોટા મોટા અધિકારીઓ લાંચ રૂશ્વત વિરોધી શાખા છટકામાં એક પછી એક ઝડપાઈ રહ્યા છે. સરકારી વિભાગોને ભ્રષ્ટાચારનો અજગર ભરખી રહ્યો છે ત્યારે સરકારે આ ભ્રષ્ટાચારને રોકવા માટે એન્ટિકરપ્શન બ્યૂરોને છૂટો દોર આપ્યો છે.
એસીબી દ્વારા જુદી જુદી ટ્રેપ ગોઠવી લાંચિયા બાબુઓને ઝડપી રહી છે અરવલ્લી જીલ્લામાં કેટલાક વનવિભાગના ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ વીરપ્પનનો સાથે ભળી જઈને જીલ્લામાં વૃક્ષોનું ભારે માત્રામાં છેદન કરી ગેરકાયદેસર વેપલો કરી રહ્યા હોવાની બૂમો સતત ઉઠી રહી છે ત્યારે અરવલ્લી એસીબીએ શામળાજી વનવિભાગમાં ફરજ બજાવતા લાંચિયા ફોરેસ્ટરને આબાદ ટ્રેપ ગોઠવી ઝડપી લીધો છે
અરવલ્લી એસીબી ટીમે ગુજરાત-રાજસ્થાન આંતરરાજ્ય ચેકપોસ્ટ પર ટ્રકમાં બેસી રનીંગ ટ્રેપ કરી જલાઉ લાકડા ભરેલ ટ્રક ચાલક પાસેથી ૩૦૦ રૂપિયાની લાંચ લેતા શામળાજીમાં ફોરેસ્ટર તરીકે ફરજ બજાવતા રાકેશ લક્ષ્મણ ડામોરને દબોચી લીધો હતો લાંચીયો ફોરેસ્ટર એસીબીની ટ્રેપ જાેઈ લાંચમાં લીધેલી ચલણી નોટો ફાડી નાખી હતી એસીબીની સફળ ટ્રેપથી ભ્રષ્ટાચારી બાબુઓમા ફફડાટ ફેલાયો છે.
અરવલ્લી એસીબી પીઆઈ સી.ડી.વણઝારાને રાજસ્થાનમાંથી કાયદેસર જલાઉ લાકડા ભરી ગુજરાતમાં પ્રવેશતા ટ્રક તેમજ અન્ય વાહનો પાસેથી સરકારના ધારાધોરણ મુજબ ફી ઉપરાંત વધારાના રૂપિયા શામળાજી ફોરેસ્ટ ચેકપોસ્ટ પર ફરજ બજાવતા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ ઉઘરાવી રહ્યા છે ની માહિતી મળતા અરવલ્લી એસીબી ટીમ રાજસ્થાન થી જલાઉ લાકડા ભરી આવતા ટ્રક ચાલકને વિશ્વાસમાં લઈ છટકું ગોઠવ્યું હતું
જલાઉ લાકડા ભરેલ ટ્રક ચાલક શામળાજી ચેકપોસ્ટ પર પસાર થવાની નોંધ કરાવી સિક્કો મરાવવા જતા ફરજ પર રહેલા ફોરેસ્ટર રાકેશ લક્ષ્મણ ડામોરે ટ્રક ચાલક પાસેથી વધારાના ૩૦૦ રૂપિયા માંગતા એસીબીની ટીમ ત્રાટકી હતી લાંચિયા ફોરેસ્ટરને એસીબી ટ્રેપની ગંધ આવી જતા સ્થળ છોડી નાઠયો હતો
અને લાંચની રકમ ફાડી નાખી તિજાેરીની પાછળ નાખી દીધી હતી લાંચીયો ફોરેસ્ટર ભાગી જાય તે પહેલા એસીબી ટીમે ઝડપી લેતા ભ્રષ્ટ ફોરેસ્ટરના મોતિયા મરી ગયા હતા
અરવલ્લી એસીબી ટીમે લાંચિયા અધિકારીને અટકયાત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર અરવલ્લી જીલ્લા વનવિભાગને વર્ષે દહાડે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે જેમાંથી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની બૂમો ઉઠી હોવાથી જીલ્લામાં ફરજ બજાવતા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓની બેનામી સંપત્તિ અંગે તપાસ કરી લાંચ રુશ્વત કાયદા અંતર્ગત કાર્યવાહી કરે તેવી લોક માંગ પ્રબળ બની છે