અરવલ્લી LCB પોલીસે શામળાજી પોલીસનું નાક વાઢ્યું : વેણપુર નજીક ટ્રકમાંથી ૪.૯૪ લાખનો દારૂ સાથે બે શખ્શોને દબોચ્યા
ભિલોડા: અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ રાજ્યમાં ઠાલવવામાં આવી રહ્યો છે બુટલેગરો વિદેશી દારૂની માંગને પહોંચી વળવા નિતનવા નુસ્ખા અપનાવી રહ્યા છે જીલ્લા એલસીબી પોલીસે શામળાજી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા વેણપુર ગામની સીમમાંથી રાજસ્થાન તરફથી આવતી ટ્રકમાંથી ૪.૯૪ લાખના વિદેશી દારૂ સાથે બે શખ્શોને ઝડપી પાડી શામળાજી પોલીસની કામગીરી સામે અનેક પ્રશ્નાર્થ પેદા કર્યા છે એલસીબી પોલીસે બંને શખ્શોને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ મનીષ વસાવા અને તેમની ટીમે શામળાજી પોલીસને ઉંઘતી રાખી વેણપુર ગામ નજીકથી લાખ્ખો રૂપિયાના દારૂ સાથે બે શખ્શોને દબોચી લીધા હતા જીલ્લા એલસીબી પોલીસે અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર આવેલ વેણપુર ગામની સીમમાં રાજસ્થાન તરફથી આવતા શંકાસ્પદ ટ્રક (ગાડી.નં-HR 38 Q 9980)ને અટકાવી ટ્રકમાં તલાસી લેતા ભૂંસાની આડમાં સંતાડીને રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ-૧૨૩૬ કીં.રૂ.૪૯૪૪૦૦/- જપ્ત કરી ટ્રક ડ્રાઈવર ૧) અસલીમ કાસમ મેવું તથા ૨)શોકીન જહરુદ્દીન મેવુ (બંને,રહે.હરિયાણા) ની ધરપકડ કરી વીદેશી દારૂ, ટ્રક, મોબાઈલ મળી કુલ રૂ.૧૪૯૬૯૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ટ્રકમાં વિદેશી દારૂ ભરી આપનાર ફરિદાબાદના ખાલિદ નામના બુટલેગર વિરુદ્ધ શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધાવી આગળની તપાસ શામળાજી પોલીસને સુપ્રત કરી હતી.