અરવલ્લીમાં પીવાના પાણીની નવિન ૧૩ યોજનાઓ માટે રૂ. ૫૨૬.૩૫ લાખ ખર્ચ કરાશે

જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ સમીતિની બેઠક યોજાઇ
અરવલ્લી જિલ્લા જળ અને સ્વચ્છતા સમીતિની બેઠક જિલ્લા સેવા સદન ખાતે કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.જેમાં જીલ્લાના લોકોને પુરતુ પીવાનું પાણી મળે રહે તે માટે રૂ. ૫૨૬.૩૫ લાખના ખર્ચે તૈયાર થનાર નવીન ૧૩ યોજનાઓની મંજુરી આપવામાં આવી હતી. જેમાં નલ સે જલ યોજના અંતર્ગત આ નવિન યોજનાથી ૧૫૭૩ ઘરને નળ કનેકશન મળશે.
જિલ્લામાં વાસ્મો અંતર્ગત અત્યાર સુધી ૧૩૩૩ યોજનાઓ અમલી બનાવાઇ છે. જે પૈકી ૯૮૦ યોજનાઓ પૂર્ણ કરવામાં આવી છે. જયારે ૧૨૨ યોજના પ્રગતિમાં છે જે ટૂંક સમયમાં પૂર્ણ કરાશે તો ૧૫ એવી યોજનાઓ છે કે જયાં પાણીના પુરતા સ્ત્રોત ન મળવાના કારણે યોજના રદ કરવામાં આવી છે.
બેઠકમાં જિલ્લામાં માલપુર, બાયડ, મેઘરજ અને ભિલોડામાં ૧૩ નવિન યોજનાઓ પાછળ રૂ. ૫૨૬.૩૫ લાખનો ખર્ચ કરવામાં આવશે જેના થકી ૩૨૦૭ પરીવારોને નલ જોડાણ મળશે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં “નલ સે જલ” અંતર્ગત ૨,૦૪,૧૭૬ ઘરને નળ જોડાણથી આવરી લેવામાં આવ્યા છે.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડૉ. અનિલ ધામેલીયા, પાણી પુરવઠાના અધિકારી,નિયામક ગ્રામવિકાસ એજન્સીના અધિકારીશ્રી બી.ડી.ડાવેરા સહિત સંબધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.