અરુણાચલમાં ૫ ભારતીયોને ચીની સૈનિકો ઊઠાવી ગયા
નવી દિલ્હી, લદાખથી ભારત અને ચીન વચ્ચે શરૂ થયેલો સંઘર્ષ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. લદાખ બાદ પૈંગોંગમાં ચીની સેના કબજો જમાવવાનો પ્રયાસ કરી રહી હતી. જોકે ભારતીય સેનાના જવાનોએ તેમને ત્યાંથી ભગાડી મૂક્યા હોવાના રિપોર્ટ આવ્યા હતા. ત્યારે હવે ચીનની વધુ એક નાપાક હરકત સામે આવી રહી છે.
અરુણાચલ પ્રદેશમાં બોર્ડર પરથી ચીની સેના ૫ ભારતીયો નાગરિકોનુ્ં અપહરણ કરીને પોતાની સાથે લઈ ગઈ હોવાની વાત સામે આવી રહી છે. પ્રદેશના કોંગ્રેસના ધારાસભ્ય નિનોંગ એરિંગે આ ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે શનિવારે એક ટ્વીટ કરીને જણાવ્યું કે, ચીની સૈનિકોએ ૫ ભારતીયોનું અપહરણ કરી લીધું છે. તેમના આ ચોંકાવનારા દાવા બાદ ખળભળાટ મચી ગયો છે. એરિંગે જણાવ્યું કે પ્રદેશના સુબનસિરી જિલ્લાના ૫ લોકોનું કથિત રીતે પીએલએએ અપહરણ કર્યું છે. પાંચ મહિના પહેલા પણ આવી ઘટના બની હતી. ધારાસભ્યએ પીએમઓને ટેગ કરતા માગણી કરી છે કે પીએલએ અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચીનને તેના પર જડબાતોડ જવાબ આપવો જોઈએ. રિપોર્ટ મુજબ, અપહરણ કરાયેલા પાંચ લોકો તાગિન સમુદાયથી સંબંધિત છે. તે લોકો જંગલમાં શિકાર માટે ગયા હતા, આ સમયે ચીની સેનાએ તેમનું અપહરણ કરી લીધું. અપહરણ કરાયેલા લોકોમાંથી એકના સંબંધીએ આ જાણકારી આપી.
જે લોકોનું અપહરણ કરાયું છે, તેમની ઓળખ ટોચ સિંગકમ, પ્રસાત રિંગલિંગ, ડોંગટૂ એબિયા, તનુ બાકેર અને ગારૂ ડિરીના રૂપમાં થઈ છે. કહેવાય છે કે આ પાંચ લોકો સાથે બે વધુ ગ્રામિણો સ્થળ પર હતા, પરંતુ તેઓ ત્યાંથી ભાગવામાં સફળ રહ્યા. તેમણે આ ઘટનાનો ઉલ્લેખ લોકોની સામે કર્યો છે. જોકે પીડિત લોકોના પરિજનોએ ભારતીય સેનાને આ વિશે સૂચના નથી આપી. ઘટના બાદથી નાચો ગામમાં તણાવનો માહોલ છે. જાણકારી મુજબ, શનિવારે સવારે પીડિત લોકોના પરિજનો સેના તથા અન્ય અધિકારીઓને મળવા માટે નાચો ગામથી રવાના થઈ ગયા. તેમણે અધિકારીઓને આ મામલો ગંભીરતાથી લેવાની અપીલ કરી છે અને તમામ અપહ્યત લોકોને ઘરે પાછા લાવી આપવા વિનંતી કરી છે. જોકે સેન્ય અધિકારીઓ અને જિલ્લા અધિકારી તરફથી આ મામલે કોઈ જાણકારી મળી શકી નથી.SSS