Western Times News

Gujarati News

અરૂણાચલ : દુર્ઘટનાગ્રસ્ત વિમાન AN-૩૨ના તમામ લોકોના મોત

કાટમાળ સુધી પહોંચી ગયેલી બચાવ-રાહત ટીમ દ્વારા આઘાતજનક સમાચાર
અપાયા- મૃત્યુ પામેલા તમામ લોકોના પરિવારના સભ્યોને માહિતી અપાઇ

ઇટાનગર : અરૂણાચલપ્રદેશના સિયાંગ જિલ્લામાં ભારતીય હવાઇ દળના દુર્ઘટનાગ્રસ્ત થયેલા માલવાહક વિમાન એએન-૩૨ વિમાનમાં રહેલા તમામ લોકોના મોત થઇ ગયા હોવાના આઘાતજનક સમાચાર આજે આખરે આપવામાં આવતા આને લઇને ચાલી રહેલી તમામ અટકળોનો અંત આવી ગયો હતો. તમામના મૃતદેહ પણ હાથ લાગી ગયા છે. તમામની ઓળખ પણ કરી લેવામાં આવી છે. કાટમાળમાં કોઇપણ વ્યક્તિ જીવિત ન મળતા આ આઘાતજનક સમાચાર આજે બહાર આવ્યા હતા. વિમાન છેલ્લા કેટલાક દિવસથી લાપતા હતુ. તેને શોધી કાઢવાના પ્રયાસ યુદ્ધના ધોરણે ચાલી રહ્યા હતા.

વિમાનના કાટમાળ અંગે ભાળ મળ્યા બાદ આજે બચાવ ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. દુખદ દુર્ઘટના અંગે આજે માહિતી આપવામાં આવી હતી. માર્યા ગયેલા તમામ લોકોના પરિવારને આ આઘાતજનક સમાચાર હવે આપી દેવામાં આવ્યા હતા. આ પહેલા ૧૫ સભ્યોની ટીમ પહોંચી ગઇ હતી. બચાવ ટુકડી આજે કાટમાળના સ્થળ પર પહોંચી ગઇ હતી. વિમાનના કાટમાળ સુધી પહોંચી જવા માટે બુધવારના દિવસે ૧૫ સભ્યોની ટીમમે હેલિકોપ્ટર મારફતે ઉતારી દેવામાં આવી હતી. ભારતીય હવાઈ દળના લાપત્તા થયેલા વિમાન એએન-૩૨નો કાટમાળ અરુણાચલ પ્રદેશના સિયાન જિલ્લામાં દેખાયો હોવાના અહેવાલ મળ્યા બાદ ઉંડી તપાસ હાથ ધરવામાં આવી હતી.

આની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો હતો. વિમાનને છેલ્લા એક સપ્તાહથી શોધી કાઢવાની પ્રક્રિયા ચાલી રહી હતી. કાટમાળ વાળી જગ્યા પર કમાન્ડોને હેલિકોપ્ટર મારફતે ઉતારવામાં આવ્યા હતા. પૂર્વ અરુણાચલ પ્રદેશની પહાડીઓ ઉપર અગાઉ પણ આવા વિમાનોના કાટમાળ મળ્યા છે જે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન લાપત્તા થઇ ગયા હતા.

આ અમેરિકી વિમાન ચીનના કુનમિંગમાં લડી રહેલા તાત્કાલિક ચીની પ્રમુખ ચિયાંગ કોઇ શેકના સૈનિકો અને અમેરિકી સૈનિકો માટે જરૂરી સપ્લાય લઇને જતા હતા. જુદા જુદા રિસર્ચમાં જાણવા મળ્યું હતુ કે, જ્યાં કાટમાળ નજરે પડ્યો છે તે ખુબ જ જટિલ વિસ્તાર છે. ૧૩ લોકોની સાથે આ વિમાન ત્રીજી જૂનના દિવસે આસામના એરબેઝથી રવાના થયું હતું. ત્યારબાદ સુખોઈ ૩૦, સી-૧૩૦, પી-૮આઈ વિમાન, ડ્રોન અને સેટેલાઇટ મારફતે શોધખોળ ચાલી રહી હતી છતાં કોઇપણ પ્રકારની ભાળ મળી રહી નહતી. પાંચ લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.

 

મૃત્યુ પામેલાની યાદી

 વિંગ કમાન્ડર જીએમ ચાર્લ્સ
સ્ક્વોડ્રોન લીડર એચ વિનોદ ફ્લાઇટ લેફ્ટીનેન્ટ આર થાપા
ફ્લાઇટ લેફ્ટીનેન્ટ એ તંવર ફ્લાઇટ લેફ્ટીનેન્ટ એસ મોહંતી
ફ્લાઇટ લેફ્ટીનેન્ટ એમકે ગર્ગ  વોરંટ ઓફિસર કેકે મિશ્રા
સારજન્ટ અનુપકુમાર કોરપોરલ સેરિન
લીડ એરક્રાફ્ટમેન એસકે સિંહ લીડ એરક્રાફ્ટમેન પકંજ
બિન વિમાની કર્મચારી પુતલી રાજેશકુમાર

શોધખોળ અભિયાનમાં હવાઈ દળ ઉપરાંત નૌકા સેના, ગુપ્તચર સંસ્થાઓ, આઈટીબીટી અને પોલીસ જવાનો લાગેલા હતા. આ એવા વિસ્તાર તરીકે છે જ્યાં બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન વિમાનનો કાટમાળ મળી આવ્યો હતો. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પૂર્વ અરુણાચલ પ્રદેશમાં રોઇંગ જિલ્લામાં ૭૫ વર્ષથી લાપત્તા થયેલા એક વિમાનનો કાટમાળ મળી આવ્યો હતો. આ અમેરિકી હવાઈ દળના વિમાનનો કાટમાળ હતો. શોધખોળ દરમિયાન લાપત્તા થયેલા એએન-૩૨ વિમાનનો કાટમાળ લિપોથી ૧૬ કિલોમીટરના અંતરે દેખાયો હોવાના અહેવાલ મળ્યા હતા. દુર્ઘટનાગ્રસ્ત વિસ્તાર ખુબ ઉંચાઈ ઉપર હોવાના કારણે કાટમાળ સુધી પહોંચવાની બાબત ખુબ પડકારરુપ બની ગઈ હતી.

બચાવ ટુકડીને ઘટનાસ્થળ ઉપર પહોંચવા ખુબ જહેમત ઉઠાવી પડી હતી. પૂર્વીય અરુણાચલ પ્રદેશની પહાડીઓને ખુબ જ રહસ્યમય ગણવામાં આવે છે. અગાઉ પણ કેટલાક વિમાન અહીં દુર્ઘટનાગ્રસ્ત થયા છે. જે જગ્યાએ વિમાનનો કાટમાળ મળ્યો હતો તે આશરે ૧૨૦૦૦ ફૂટની ઉંચાઈ ઉપર સ્થિતિ છે. જુદાજુદા રિસર્ચમાં સાબિત થઇ ચુક્યું છે કે, આ વિસ્તારની આસપાસમાં ખુબ વધારે પવનની ગતિ રહે છે જેથી સંપર્ક તુટી જાય છે. અહીં ઉંડાણ ભરવાની બાબત ખુબ મુશ્કેલરુપ રહે છે. આ વિસ્તારમાં કોઇ વિમાનના કાટમાળને શોધી કાઢવાની બાબત પણ સરળ હોતી નથી પરંતુ આ વખતે  વહેલી તકે સફળતા હાથ લાગી છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ૧૩ લોકોમાં છ અધિકારી અને સાત એરમેન છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.