અર્થસભર સમજણ સાથેનું વાંચન જ વિદ્યાર્થીને શિક્ષિત-દિક્ષિત બનાવશે – રૂપાણી
વાંચન અભિયાનનો ગાંધીનગરથી પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારણા સાથે બાળકોની વાંચન શક્તિ ખિલવવા વાંચન અભિયાનનો ગાંધીનગરથી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, અર્થસભર સમજણ સાથેનું વાંચન જ વિદ્યાર્થીને શિક્ષિત – દિક્ષિત બનાવશે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના શિક્ષણ વિભાગના ઉપક્રમે વાંચન અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.
તેમણે આ અભિયાનના સંવાહક એવા શિક્ષકો અને ગુરુજનોને પ્રેરક માર્ગદર્શન આપતાં કહ્યું કે, રાજ્યના શિક્ષકો-ગુરુજનો પર એમને પૂર્ણ ભરોસો છે કે, વાંચન અભિયાનથી શાળાના બાળકોની વાંચન શક્તિને ખિલવીને તેમના માટે ગણિત, વિજ્ઞાન, ઇતિહાસ જેવા વિષયો સરળતાએ સમજાય તેવું દાયિત્વ તેઓ નિભાવશે જ.
મુખ્યમંત્રીશ્રીએ પ્રાથમિક શિક્ષણમાં ગુણાત્મક પરિવર્તનની આબોહવા ઉભી થઇ છે તે સંજોગોમાં મિશન વિદ્યા, ગુણોત્સવ, વાંચન અભિયાન જેવા સાતત્યપૂર્ણ અભિયાન પ્રારંભિક શિક્ષણમાં મોટી ક્રાંતિ લાવશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.
તેમણે દેશભરમાં નેશનલ એચીવમેન્ટ સર્વે અંતર્ગત લેવાતી ભાષાની પરીક્ષામાં ગુજરાતના વિદ્યાર્થીઓ વાંચન કૌશલ્યમાં પાછળ ન રહે તે માટે પણ અર્થસભર-સમજણપૂર્વકના વાંચન પર ભાર મૂક્યો હતો. શ્રી વિજયભાઇ રૂપાણીએ આ અવસરે ‘ભાષાદિપ’ પ્રકાશનનું વિમોચન પણ કર્યું હતું.
રાજ્યભરના જિલ્લા મથકો-ડાએટ અને જિલ્લા શિક્ષણ તાલીમ કેન્દ્રો પર ઉપસ્થિત રહેલા શિક્ષકોએ બાયસેગ-સેટેલાઇટ ઉપગ્રહના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીનો આ પ્રેરક સંદેશો ગ્રહણ કર્યો હતો. શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબહેન દવે, પ્રા.શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવ, સર્વશિક્ષા અભિયાનના ડાયરેક્ટર શ્રીમતી પી.ભારથી વગેરે પણ આ વિડીયો સંવાદ વેળાએ ઉપસ્થિત હતા.