અર્નબ ગોસ્વામીએ જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી

નવી દિલ્હી, રિપબ્લિક TVના એડિટર-ઈન-ચીફ અર્નબ ગોસ્વામીને (47) જામીન માટેની અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે. બોમ્બે હાઈકોર્ટે સોમવારે તેમને જામીન આપવાનો ઈનકાર કરી દીધો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે લોઅર કોર્ટમાં અરજી કરવામાં આવે. અર્નબે સોમવારે જ અલીબાગ સેશન કોર્ટમાં પણ અરજી કરી હતી.
મુંબઈના ઈન્ટીરિયર ડિઝાઈનર અન્વય અને તેમની માતાને કથિત રીતે આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં 4 નવેમ્બરે અર્નબની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ 18 નવેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. શનિવારે રાત સુધીમાં તેમને અલીબાગની એક સ્કૂલમાં બનેલી અસ્થાયી જેલમાં રાખવામાં આવ્યા હતા. રવિવારે સવારે તલોજા જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા.
મુંબઈ પોલીસે રિપબ્લિક ટીવીના આસિસ્ટન્ટ વાઈસ-પ્રેસિડેન્ટ (AVP) ઘનશ્યામના ઘરે મંગળવારે સવારે દરોડો પાડ્યો અને તેમની ધરપકડ કરવામાં આવી. આ કાર્યવાહી ફેક TRP મામલે કરવામાં આવી. આ પહેલાં પણ પોલીસે ઘનશ્યામની 30 કલાકથી વધુની પૂછપરછ કરવામાં આવી હતી.