અર્બન ફોરેસ્ટ તૈયાર થશે તો શહેરના માણસે દૂર સુધી જંગલોમાં જવાની જરૂર નહીં પડે
ત્રણ-ચાર મહિને ક્યારેક કોઈ પ્રવાસે જઈ આવે એ ઠીક, વનસ્નાન કરતો થાય પછી એટલે કે પ્રકૃતિની નજીક વધુ રહેવાનું શરૂ કરે પછી માણસ ભૌતિક બાબતો પર ઓછો આધાર રાખે છે સ્વસ્થ રહેવું હશે તો વનસ્નાન કરવું પડશે
‘પ્રણામ બાપુ’ સરદારે સ્મિત સાથે બાપુને કહ્યું. “પ્રણામ. આવો. તમારી જ રાહ જાેતો હોત.”
“મને ખબર હતી કે આજે તમે વનસ્નાનના માનસિક ફાયદા તેમજ વનસ્નાનનો લાભ શહેરનો માણસ કઈ રીતે લઈ શકે એ વિશે જાણવા ઉત્સુક હશો.” સરદારને ગાંધીજીની નવું નવું જાણવાની ઉત્સુકતા વિશે જાણ હતી.
“હા. તો કરો શરૂ.” ગાંધીજીએ કહ્યું.
“બાપુસૌથી પહેલા તો તમને એક ચોંકાવનારો આંકડો કહું. આંકડો બીજા કોઈએ નહી. પરંતુ નાઈટેડ નેશન્સે આપ્યો છે. સંયુકત રાષ્ટ્રોનું કહેવું છે કે વર્ષ ર૦પ૦ સુધીમાં દુનિયાની ૭પ ટકા વસ્તી શહેરોમાં વસવાટ કરશે. એનો અર્થ એ થયો કે ર૦પ૦ સુધીમાં દુનિયાની ૭પટકા આબાદીને શુદ્ધ હવા નહી મળે કારણ કે શહેરો સ્વાભાવિક જ પ્રદુષણનું ઘર હોય છે અને જયાં પ્રદુષણ હોય ત્યાં સ્વાસ્થય કઈ રીતે હોઈ શકે ?”
“અરે અરે. આ તો બહુ ચોંકાવનારો આંકડો આવ્યો.” ગાંધીજીએ ડર વ્યકત કર્યો.
“હા. એટલે એનો અર્થ એ થયો કે જાે શહેરોની હવા શુદ્ધ રાખવી હશે અને શહેરોમાં વસતા લોકોને માનસિક કે શારીરિક રીતે સ્વસ્થ રાખવા હશે તો હવે માણસ જંગલ પાસે નહીં જવાની વાત જુની થઈ ગઈ. પરંતુ જંગલને માણસોની પાસે લઈ આવવા પડશે.” સરદાર સહેજ અટક્યા.
આ માટે આપણે અગાઉ જે વાત કરેલી એ વાતનો માણસોએ અત્યંત યુદ્ધના ધોરણે અમલ કરવો પડશે.”
“તમે અર્બન ફોરેસ્ટ્રેશનની વાત કરો છો સરદાર ?” બાપુને સરદાર સાથે અગાઉ થયેલી વાત યાદ આવી ગઈ.
“બિલકુલ સાચી વાત બાપુ.
હવે જે ટાઉન પ્લાનિંગ થશે કે મોટા નગરોમાં જયા જગ્યા હશે ત્યાં અર્બન ફોરેસ્ટ વિકસાવવા પડશે. એ પણ એક-બે કે પાંચ નહી. પરંતુ શહેરોમાં અને શહેરોની ફરતે શક્ય હોય એટલા વધુ અર્બન ફોરેસ્ટ તૈયાર કરવા પડશે. જેથી શહેરની હવા શુદ્ધ રહેશે. તેમજ શહેરમાં રહેતા માનવીને વૃક્ષોને બીજા-ત્રીજા લાભ મળે.”
સરદારે સહેજ ઉધરસ ખાધી. તેઓ ફરી બોલ્યા, “આપણી છેલ્લી મુલાકાત વખતે તમે જે બે સવાલો પુછેલા તેના બીજા સવાલનો ઉકેલ પણ મારી આ વાતમાં મળી જ જાય છે. કે જાે શક્ય એટલા વધુ પ્રમાણમાં અર્બન ફોરેસ્ટ તૈયાર થશે તો શહેરના માણસે દુર સુધી જંગલોમાં જવાની જરૂર જ ન પડે.
ત્રણ-ચાર મહિને કયારેક કોઈ પ્રવાસે જઈ આવે એ ઠીક, બાકી જાે શહેરના માણસોએ નિયમિત રીતે વનસ્નાનના લાભ લેવો હોય તો તેઓ મિયાવાકી પદ્ધતિથી તૈયાર થયેલા ઘટાટોપ અર્બન ફોરેસ્ટનો લાભ લઈ શકે છે અને અગાઉની ચર્ચાઓમાં આપણે જે જાણેલું એવા શારીરિક સ્વાસ્થ્યના લાભ લઈ શકે છે.”
“વાહ સરદાર વાહ.” સરદારની વાત સાંભળીને ગાંધીજી ખુશ થઈ ગયા.
“હા. અને તમારા પહેલા સવાલનો જવાબ આપું. વનસ્નાનનો સૌથી મોટો ફાયદો એ છે કે લીલોતરીની વચ્ચે રહેવાથી અને પક્ષીઓના કે પ્રકૃતિના અવાજને ધ્યાનથી સાંભળવાથી માણસની એન્કઝાઈટી દૂર થાય છે તે કારણ વિના ઉશ્કેરાવાનું બંધ કરે છે. સંશોધને એ સાબિત કરીને આપ્યું છે કે વનસ્નાનને કારણે માણસની અંદર નવી હકારાત્મકતાનો સંચાર થાય છે.
જેને કારણે ડિપ્રેશન તેનાથી ઘણો દુર રહે છે. આ તો ઠીક માણસના મનનાં અસ્તવ્યસ્ત વિચારોનું કેન્દ્રીયકરણ થાય છે અને માણસ તેના લક્ષ્ય બાબતે વધુ સ્પષ્ટ થાય છે તેનામાં હકારાત્મક શક્તિઓનો સંચાર થવાને લીધે તેમજ વિચારો બાબતે સ્પષ્ટ થવાને કારણે માણસની કોમ્યુનિકેશન સ્કીલ સુધરે છે.
જેને કારણે તે સંબંધોમાં, સામાજિક ક્ષેત્રે કે તેના વ્યવસાયને મોરચે ઘણી સફળતા અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે.
અને સૌથી મોટી બાબત તો એ છે કે માનસિક શાંતિ મળવાને કારણે કે વન-સ્નાનને લીધે પોતાની જાત સાથે વધુ સંવાદ સાધવાને કારણે માણસની અધ્યાત્મિક યાત્રા પણ શરૂ થાય છે
એ સ્પિરિચ્યુઅલ જર્નીને કારણે માણસ આંતરિક રીતે વધુ સમૃદ્ધ બને છે અને એ આંતરિક સમૃદ્ધિ જ માણસના સુખનું કારણ બને છે વનસ્નાન કરતો થાય પછી એટલે કે પ્રકૃતિની નજીક વધુ રહેવાનું શરૂ કરે પછી માણસ ભૌતિક બાબતો પર ઓછો આધાર રાખે છે. આ કારણે તે લગભગ નહીંવત્ પ્રમાણમાં દુઃખી થાય છે.”
સરદાર સળંગ આ બધુ બોલી ગયા. “વાહ સરદાર વાહ. આ તો બહુ મોટી વાત કહેવાય. તમારો દિલથી આભાર કે તમે મને વનસ્નાન વિશે આટલી બધી માહિતી આપી. મને વિશ્વાસ છે કે ધરતી પર માણસો પણ આવનારા સમયમાં આ ક્રિયાનો લાભ લેશે અને
શારીરિક, માનસિક, સામાજિક કે આધ્યાત્મિક દૃષ્ટિએ સંપન્ન થશે માણસને એક વૃક્ષ અથવા પ્રકૃતિ કેટલી મદદ કરી શકે એનો અંદાજ લગાવવો ખરેખર મુશ્કેલ છે. કદાચ એટલે જ તો કહેવાયું હશેને? કે પ્રકૃતિ હી પરમાત્મા હૈ.” ગાંધીજી આનંદીત થઈને તેમના કામમાં પરોવાયા અને સરદાર તેમના કામ માટે નીકળી ગયા.