અર્બન હેઠળ ગુજરાતને રૂ. ૧૦,૧૨૧ કરોડની કેન્દ્રીય સહાય મળી : નથવાણી
અમદાવાદ: કેન્દ્ર સરકારે પ્રધાન મંત્રી આવાસ યોજના (અર્બન) હેઠલ ગુજરાતને રૂ. ૧૦,૧૨૧ કરોડની કેન્દ્રીય સહાય પૂરી પાડી છે. આ યોજના હેઠળ, અત્યાર સુધીમાં દેશમાં ૧૧૦ લાખ મકાનને મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી ૭,૬૮,૮૦૯ મકાન ગુજરાતમાં છે. કેન્દ્રીય હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી હરદીપ સિંઘ પુરીએ આ માહિતી માર્ચ ૧૭, ૨૦૨૧ના રોજ રાજ્યસભામાં સાંસદ શ્રી પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં ઉપલબ્ધ બનાવી હતી.
મંત્રીશ્રીના નિવેદન અનુસાર, આ યોજના હેઠળ ગુજરાત માટે રૂ. ૧૪,૧૮૨ કરોડ સહિત દેશમાં કુલ રૂ. ૧,૭૮,૦૭૬ કરોડની કેન્દ્રીય સહાયને મંજૂરી આપવામાં આવી છે, તેમાંથી ગુજરાત માટે રૂ. ૧૦,૧૨૧ કરોડ સહિત સમગ્ર દેશમાં વિવિધ રાજ્યોને કુલ રૂ. ૯૦,૫૩૮ કરોડની ચૂકવણી કરી દેવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (અર્બન) હેઠળ આકારણી કરવામાં આવેલી કુલ ૧૧૨ લાખ ઘરની સામે અત્યાર સુધીમાં ૧૧૦ લાખ મકાન માટે મંજૂરી આપી દેવામાં આવી છે, જેમાંથી ૭૪.૮ લાખ મકાનોનું બાંધકામ શરૂ થઈ ગયું છે, જેમાં બાંધકામ પૂર્ણ થઈ ગયેલા ૪૩.૩ લાખ મકાનોનો સમાવેશ થાય છે, એમ મંત્રીશ્રીના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
નિવેદનમાં એમ પણ જણાવવામાં આવ્યું કે આ યોજનાના ઝડપી અમલીકરણ માટે ભંડોળના અસ્ખલિત પ્રવાહ માટે બજેટના સ્ત્રોત ઉપરાંત એક્સટ્રા બજેટરી રીસોર્સ તરીકે રૂ. ૬૦,૦૦૦ કરોડના નેશનલ અર્બન હાઉસિંગ ફંડ (એન.યુ.એચ.એફ.)ની રચના કરવામાં આવી છે. વધુમાં, અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટમાં હાઉસિંગ લોનના વ્યાજનો બોજાે ઘટાડવા માટે બેંકો અને નાણાંકીય સંસ્થાઓમાં પ્રાયોરીટી સેક્ટર લેન્ડિંગ શોર્ટફોલનો ઉપયોગ કરીને રૂ. ૧૦,૦૦૦ કરોડની નેશનલ હાઉસિંગ બેંકની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત વધુ રૂ. ૧૦,૦૦૦ કરોડની ફાળવણી ૨૦૧૯-૨૦માં કરવામાં આવી છે, એમ મંત્રીશ્રીના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.