અલંગને ૭૧૫ કરોડના ખર્ચે આધુનિક બનાવાશે
અમદાવાદ, નાણામંત્રીએ બજેટમાં બંદરો અને વાહન વ્યવહાર માટે પણ કુલ રૂ.૧૩૯૭ કરોડની જાગવાઇ જાહેર કરી હતી. તેમણે જણાવ્યું કે, અલંગ શીપ રિસાયકલીંગ યાર્ડને રૂ.૭૧૫ કરોડના ખર્ચે આધુનિક કરાશે તો, રૂ.૨૪૦ કરોડના ખર્ચે જાહેર પરિવહનને વધુ સુગમ અને સુલભ બનાવવા ૮૯૫ નવી બસો સેવામાં મૂકાશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, સરકારે નાગરિકોને ઝડપી અને પારદર્શક સેવાઓ મળી રહે તે હેતુથી વાહન અને લાયસન્સ સબંધિત મોટાભાગની સેવાઓ ફેસલેસ કરેલ છે .
કાચા લાયસન્સની કામગીરી ૩૬ આરટીઓ કચેરીની જગ્યાએ ૨૨૧ આઈટીઆઈ અને ૨૯ પોલિટેકનિક ખાતે શરૂ કરવામાં આવી છે . જેને લીધે નાગરિકોને વધુ સુવિધા પ્રાપ્ત થઇ છે . જયારે રાજયમાં જાહેર પરિવહનને વધુ સુગમ અને સુલભ બનાવવા ૮૯૫ નવી બસો સેવામાં મૂકવામાં આવનાર છે . આ બસો બીએસ-૬ મોડલ આધારિત હોઇ વાતાવરણને પ્રદૂષણમુક્ત અને સ્વચ્છ રાખવામાં મદદ મળશે, જે માટે કુલ રૂ.૨૪૦ કરોડની જોગવાઇ કરાઇ છે.
તો, સાત નવા બસ સ્ટેશનનું બાંધકામ કરવા તેમજ હયાત જૂના અને જર્જરિત ૯ બસ સ્ટેશન તોડીને આનુષંગિક માળખાકીય સુવિધા ધરાવતા નવા બસ સ્ટેશન બનાવવા માટે કુલ રૂ.૩૦ કરોડની જોગવાઇ કરાઇ છે. દરમ્યાન અલંગ શીપ રિસાયલિંગ યાર્ડનું આધુનિકીકરણ કરવાનું આયોજન છે , જે માટે અંદાજિત રૂ.૭૧૫ કરોડ ખર્ચ થશે. આ પ્રોજેકટ અંતર્ગત હાલનાં ૭૦ શિપ રિસાયલિંગ પ્લોટ અપગ્રેડ થશે અને ૧૫ નવા પ્લોટ બનાવવામાં આવશે.