અલીગઢમાં સાત વર્ષીય બાળકી પર ૧૦થી ૧૨ કૂતરાનો હુમલો
નવીદિલ્હી: એક તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન અલીગઢને સ્માર્ટ સિટીનો દરજ્જાે અપાવવા કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહ્યું છે તો બીજી બાજુ શહેરના લોકો રસ્તા પર રખડતા પશુઓથી પણ સુરક્ષિત નથી. આવી જ એક ઘટના અલીગઢના જીવનગઢ ખાતેથી સામે આવી છે જેમાં એક ૭ વર્ષીય બાળકી ઘરનો સામાન લેવા જઈ રહી હતી તે સમયે આશરે ૧૦થી ૧૨ રખડતા કૂતરાઓના ટોળાઓએ તેના પર હુમલો કરી દીધો હતો.
કૂતરાઓના ટોળાએ બાળકીને જમીન પર પાડી દીધી હતી અને તેને ઢસડવા લાગ્યા હતા. આ અંગે જાણ થતા જ આજુબાજુના લોકોએ બાળકીને બચાવવા દોટ મુકી હતી. મહામહેનતે તે બાળકીનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો પરંતુ તેને ગંભીર ઈજાઓ પહોંચી છે અને સ્માર્ટ સિટીના નામે કરોડોના ખર્ચ કરનારા કોર્પોરેશનની પોલ ખુલી ગઈ છે. બાળકી પર કૂતરાઓએ હુમલો કર્યો તે ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
જ્યારે બાળકી એક ગલીની સામેથી નીકળે છે ત્યારે ૪-૫ કૂતરા તેના પર તૂટી પડે છે અને પછી તેમની સંખ્યા વધવા લાગે છે. બાળકી બચીને ભાગવા માટે ખૂબ પ્રયત્ન કરે છે પરંતુ કૂતરાઓની સંખ્યા વધારે હોવાથી તે ફસાઈ જાય છે. જીવનગઢ ક્ષેત્રના કાઉન્સિલરના કહેવા પ્રમાણે તેમણે અનેક વખત કોર્પોરેશનને રખડતા કૂતરાઓના ત્રાસ વિશે લખ્યું છે પરંતુ તેમની બેદરકારીના કારણે સમસ્યાનો ઉકેલ નથી આવતો.