અલ્પેશ કથીરિયાએ ભાજપની મહિલા નેતા સાથે સગાઈ કરી
સુરત, પાટીદાર અનામત આંદોલનના કન્વીનર અલ્પેશ કથિરીયાએ ભાજપના મહિલા નેતા સાથે સગાઈ કરીને નવા જીવનની શરૂઆત કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ અલ્પેશ કથીરિયાએ ભાજપના જે પૂર્વ મહિલા કોર્પોરેટર સાથે સગાઈ કરી તેમનું નામ કાવ્યા પટેલ છે. ઉલ્લેખનીય છે કે, અલ્પેશ કથીરિયા પાટીદાર અનામત આંદોલન થકી પ્રકાશમાં આવ્યા હતા. ત્યારથી તેમને સુરત તથા સમગ્ર ગુજરાતના પાટીદારોમાં મજબૂત પકડ ધરાવતા યુવા નેતાઓ પૈકી એક ગણવામાં આવે છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અલ્પેશ કથીરિયાએ કાવ્યા પટેલ સાથે કામરેજની એક હોટલમાં સગાઇના બંધનથી બંધાયા હતા. કાવ્યા પટેલ કનકપુર કનસાડ નગરપાલિકામાં ઉપ-પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
નોંધનીય છે કે, હાર્દિક પટેલ કોંગ્રેસમાં જાેડાઇ ગયા બાદ અલ્પેશ એક નોન પોલિટિકલ ચહેરા તરીકે ઊભર્યો અને પાટીદારોમાં પણ તેની લોકપ્રિયતામાં વધારો થયો હતો.
જાેકે, તાજેતરમાં સુરતમાં આપને મોટી સફળતા અપાવ્યા બાદ હવે ભાજપનેતા સાથે સગાઇ કરતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અલ્પેશ કથીરિયા રાજદ્રોહ સહિતના અનેક ગુનામાં જેલવાસ પણ ભોગવી ચુક્યો છે.
હાલ તો પાટીદાર અનામત મુદ્દે તે હંમેશા પ્રકાશમાં રહે છે. આ ઉપરાંત ભાજપ વિરોધી ચહેરાઓ પૈકી પણ તેનો ચહેરો પ્રખર માનવામાં આવે છે. જાે કે, હવે સગાઈ થઈ જતાં હાર્દિક પટેલ બાદ હવે અલ્પેશ કથીરિયા પણ ઠરીઠામ થવા તરફ આગળ વધી ગયા છે. સગાઈ બાદ અલ્પેશ કથીરિયા અને કાવ્યા પટેલના ફોટા સોશિયલ મીડિયા પર વહેતા થયા છે અને લોકો તેમને સગાઈના ફોટા શેર કરીને અભિનંદન પાઠવી રહ્યા છે.SSS