અલ-કાયદાનો નં-2 નેતા અલ જવાહિરીએ ભારતની હિજાબ ગર્લની પ્રશંસા કરી
નવી દિલ્હી, ખૂંખાર આતંકવાદી સંગઠન અલ-કાયદામાં ઓસામા બિન લાદેન બાદ નંબર-2 ગણાતો અયમાન અલ જવાહિરી જીવે છે.
વર્ષ 2020માં વિશ્વના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં સામેલ અલ જવાહિરીના મૃત્યુના સમાચાર ઉડ્યા હતા. જોકે હવે તે ફરી એક વખત નવા વીડિયોમાં જોવા મળી રહ્યો છે.
આ વીડિયો તાજેતરના અમુક સપ્તાહ દરમિયાન બનાવવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. નવા વીડિયોમાં જવાહિરી જોવા મળ્યા બાદ ફરી એક વખત તે ચર્ચામાં આવ્યો છે. વીડિયોમાં તેણે ભારતના હિજાબ વિવાદ મુદ્દે ઝેર ઓક્યું છે.
ભારતીય રાજ્ય કર્ણાટકની શાળાઓમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો ત્યાર બાદ આ નિર્ણયનું સમર્થન કરનારા લોકોને જવાહિરીએ ‘ઈસ્લામના દુશ્મન’ ગણાવ્યા હતા અને તેમની નિંદા કરી હતી.
છેલ્લે તે 9/11ના આતંકી હુમલાની 20મી વરસી વખતે જે વીડિયો બનાવવામાં આવેલો તેમાં જોવા મળ્યો હતો. આ આતંકવાદીનો જન્મ મિસ્ત્રમાં થયો હતો અને તે ડોક્ટર હતો. વર્ષ 2011માં લાદેનના મોત બાદ તેણે અલ કાયદાનું સુકાન સંભાળ્યું હતું.
અલ કાયદાની સત્તાવાર મીડિયા વિંગ અસ-સાહાબ મીડિયાએ 9 મિનિટનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં અલ જવાહિરી મુસ્કાન નામની મુસ્લિમ વિદ્યાર્થીની પ્રશંસા કરે છે જે કર્ણાટકની કોલેજમાં હિજાબ પહેરીને જોવા મળી હતી.
મુસ્કાનનો વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો. જવાહિરીએ ફ્રાંસ, હોલેન્ડ અને સ્વિત્ઝરલેન્ડ ઉપરાંત મિસ્ત્ર અને મોરક્કોને પણ તેમની હિજાબવિરોધી નીતિઓના કારણે ‘ઈસ્લામના દુશ્મન’ ગણાવીને તેમની ટીકા કરી છે.