અ’વાદમાં ગાંધીજીએ સ્થાપેલી હેરિટેજ મિલકતોના સસ્તા ભાવે સોદા થઇ રહ્યા હોવાનો આરોપ

અમદાવાદ, મહાત્મા ગાંધીએ સ્થાપેલી અને હેરિટેજની કેટેગરીમાં આવતી મિલકતોને વેચવા માટે તૈયાર થયેલા મજૂર મહાજન સંઘ સામે વિરોધ ઉભો થયો છે. અદાલતમાં પિટીશન કરવામાં આવી છે. જાે કે આ મિલકતોનો કબજાે હાલ મજૂર મહાજન સંઘ ધરાવે છે પરંતુ પિટીશનમાં કહેવામાં આવ્યું છે કે સંઘને આ મિલકતો વેચવાનો કોઇ અધિકાર નથી.
મજૂર મહાજનની વેચવા કાઢેલી મિલકતો અનસૂયાબેન સારાભાઈ સ્મારક, ટેક્સટાઈલ લેબર યુનિયન, શ્યામપ્રસાદ વસાવડા સ્મારક ટ્રસ્ટ હેઠળની મિલકતો છે. અમદાવાદના જ આંબાવાડી વિસ્તારમાં સી.એન. વિદ્યાલય સામે આવેલું કન્યાગૃહની જમીન, અસારવામાં ચામુંડા બ્રિજ પાસે આવેલું અભ્યાસ ગૃહ, રિવરફ્રન્ટ પરની કલ્યાણગ્રામ, રાયપુર દરવાજા પાસેનું કામદાર મેદાન સહિતની મિલકત વેચવા કાઢી છે. કરોડોની મિલકતના બહુ જ ઓછી કિંમતે સોદા કરીને સેટિંગ કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.
મિલકતો વેચવાનો ઠરાવ કર્યા પછી ઠરાવમાં સહમતી દર્શાવનાર મજૂર મહાજન સંઘના ટ્રસ્ટી તથા મંત્રી મહેન્દ્ર અમથાભાઈ દેસાઈએ આ ઠરાવમાં તેમણે કરેલી સહી કેન્સલ ગણી લેવાની જાણ કરતો એક પત્ર પણ મજૂર મહાજન સંઘના મંત્રી મંડળને મોકલી આપ્યો છે.
પત્રમાં તેનું કારણ આપતા જણાવવામાં આવ્યું છે કે મહાત્મા ગાંધીએ સ્થાપેલી સંસ્થાની મિલકતો વેચવાનો કે ભાડે આપવાનો મંત્રી મંડળને કોઈ અધિકાર જ નથી. મિલકતો વેચવા કાઢી તે પૂર્વે મજૂર મહાજન સંઘ માટે આવક ઊભી કરવાનો એક ઠરાવ કરવામાં આવ્યો હતો જેમાં ટ્રસ્ટની મિલકતોમાંથી આવક ઊભી કરવાની જ માત્ર શરત મૂકવાનો જ માત્ર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
આ મુદ્દે અમદાવાદની સિટી સિવિલ જજની કોર્ટમાં પીટીશન કરવામાં આવી છે. હરદેવસિંહ ગોહિલે કરેલી પિટીશનમાં જણાવવામાં આવ્યું છે કે કોઈપણ જાતના ઠરાવ વગર એક તરફી મનસ્વી રીતે જાતે ર્નિણય લઈ મજૂર મહાજન સંઘની મિલકતો ભાડે, પેટા ભાડે આપવાનું નક્કી કરવામાં આવેલું છે. આ અંગેનો ઠરાવ કરતાં પહેલા તમામ કમિટી મેમ્બરોની સંમતિ મેળવવામાં આવેલી નથી.
પિટીશનમાં જણાવવામાં આવ્યું છે કે ઠરાવ કરતી વખતે મેમ્બરોને આ અંગેનો એજન્ડા પણ આપવામાં આવ્યો નહોતો. ગાંધીજીએ સ્થાપેલા ટ્રસ્ટના હેતુઓ જાળવી રાખીને જ પગલાં લેવા જાેઈએ. છતાંય પ્રતિવાદી અને મજૂર મહાજન સંઘના વર્તમાન પ્રમુખ રમણલાલ પટેલ, પ્રધાનમંત્રી અમર બારોટ, મંત્રી મહેન્દ્ર અમથાભાઈ દેસાઈ, મંત્રી મધુભાઈ પરમાર મિલકતો આપી દેવા તૈયાર થઈ ગયા છે. તેમને મિલકત ભાડે, પેટા ભાડે કે ટ્રાન્સફર આપવાની કોઈ જ સત્તા નથી.
વહીવટદારોના હિતમાં જ આ મિલકતો અંગે ર્નિણય લેવામાં આવી રહ્યા છે. અરજીના માધ્યમથી મિલકતોને ભાડે કે વેચાણ આપવા સામે મનાઈ હુકમ આપવાની માગણી કરવામાં આવી છે.HS