Western Times News

Gujarati News

અશક્તિ અને ટી.બી.થી પીડાતા યુવાનને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી સારવાર કરાવી

કોરોના સંક્રમણના લીધે કોણ કોને બચાવે તેવી સ્થિતિ શહેરમાં છે તે વચ્ચે અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર ઝારખંડના યુવકના સ્વજન બનીને વ્હારે આવ્યું છે.

લાંબા સમયથી ટી.બી.ની બિમારીથી પીડાતા અને બીલકુલ અશક્ત હાલતમાં રહેલા ઝારખંડના યુવક પરવેજ અન્સારીને જિલ્લા વહિવટી તંત્રની મદદથી તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી સારવાર આપવામાં આવી છે. અમદાવાદ પૂર્વ ડિવિઝનના ડેપ્યુટી કલેક્ટર શ્રીમતી અનસૂયાબહેન જ્હા પાસે એક ઓડિયો આવ્યો હતો કે, અમરાઈવાડીની ચાલીમાં રહેતો એક યુવાન છેલ્લા ઘણા દિવસથી તેના રૂમની બહાર નીકળ્યો નથી અને માંદગીથી ગ્રસિત છે તેને અનાજ અને સારવારની જરૂર છે.

આ ઓડિયો જ્યાંથી આવ્યો તો તેના પર કોલ બેક કરી આ યુવકનું સરનામું મેળવી પહોંચ્યા તો યુવક ચાલી કે બોલી શકવાની હાલતમાં પણ નહોતો અને ઘણા સમયથી ટી.બી.ની બીમારીથી પીડાતો હોય તેમ લાગ્યું. પોતે ચાલી શકવાની સ્થિતિમાં પણ નહોતો તેવા યુવકને લઈ જવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક ૧૦૮ બોલાવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને સારવાર આપવામાં આવી હતી.

જિલ્લા કલેકટર શ્રી કે.કે નિરાલાની સૂચનાથી અમદાવાદ પૂર્વ પ્રાંત અધિકારી શ્રીમતી અનસૂયાબેન જહા દ્વારા સંવેદનશીલતા અને માનવીય અભિગમ દાખવીને મામલતદારશ્રી, મણીનગર તથા સ્ટાફને તાત્કાલિક ગેટ નંબર -૪,રબારી કોલોની અમરાઇવાડીમાં ભાડાના મકાનમાં એકલા રહેતા પરવેઝ અન્સારીની રૂબરૂ મુલાકાત લેવા જણાવ્યું હતું. આ રૂબરૂ મુલાકાત દરમિયાન અંસારીની તબિયત ખૂબ જ નાજુક હોવાનું ધ્યાનમાં આવતા કલેકટરશ્રી તથા પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળની ટીમ દ્વારા આ યુવકને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તાત્કાલિક અનાજની કીટ પણ પુરી પાડવામાં આવી હતી.

આમ, લોકડાઉનના સમયગાળામાં અમદાવાદમાં એકલા રહેતા અને નિરાધાર સ્થિતિમાં આવી ગયેલા આ યુવકની મદદે જિલ્લા વહીવટી તંત્ર સ્વજન બનીને પહોંચી મદદગાર સાબિત થયું છે. જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ નાનામાં નાના માણસની જરૂરિયાત અને કાળજી રાખવાની જિલ્લા વહિવટી તંત્રની સંવેદના ફરી એકવાર ઉજાગર થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.