અશોક ગેહલોત ફરી એકવાર મુશ્કેલીમાં, ભારતીય ટ્રાઇબલ પક્ષ ટેકો પાછો ખેંચવાની તૈયારીમાં
જયપુર,રાજસ્થાનમાં તાજેતરમાં થઇ ગયેલી ચૂંટણીમાં કોંગ્રેસનો ધબડકો થયા પછી ફરી એકવાર અશોક ગેહલોતની સરકાર મુશ્કેલીમાં આવી ગઇ હોવાના અણસાર મળ્યા હતા.
ભારતીય ટ્રાઇબલ પક્ષે ગેહલોત સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લેવાના સંકેત આપ્યા હતા. ભારતીય ટ્રાઇબલ પાર્ટી(બીટીપી)ના ધારાસભ્ય રામપ્રસાદ ધીલ્લોંએ કહ્યું હતું કે હવે કોંગ્રેસને અમારા ટેકાની જરૂર રહી નથી. બીટીપી ટેકો પાછો ખેંચી લે તો ગેહલોતની સરકાર ફરી એકવાર સંકટમાં આવી પડશે.
આ કડવાશનું મૂળ તાજેતરમાં થયેલી જિલ્લા પરિષદની ચૂંટણી નિમિત્ત બની હતી. ડુંગરપુર જિલ્લા પરિષદની ચૂંટણીમાં બીટીપીના ઉમેદવારને કોંગ્રેસે સાથ નહીઁ આપતાં એ ઉમેદવાર હારી ગયા હતા.
દેખીતી રીતેજ એટલે બીટીપીના નેતાઓ ચીડાયા હતા. ડુંગરપુર જિલ્લા પરિષદમાં માત્ર સાત બેઠક જીતનારા ભાજપે પ્રમુખપદ આંચકી લીધું હતું જ્યારે તેર બેઠક જીતનારા બીટીપીને નીચાજોણું થયું હતું.