અસમ અને મિઝોરમ વચ્ચે ચાલી રહેલા તણાવને ઓછો કરવાની કવાયત
વાતચીતથી સમસ્યાનો ઉકેલ લાવીશું : બંને રાજ્યોના સીએમ
નવી દિલ્હી: સરહદ વિવાદને લઈને અસમ અને મિઝોરમ વચ્ચે ચાલી રહેલા તણાવને ઓછો કરવાની કવાયત રંગ લાવી છે. બંને રાજ્યોના મુખ્યમંત્રીઓએ કહ્યુ કે, વાતચીત દ્વારા મુદ્દાનો ઉકેલ લાવીશું.
મિઝોરમના સીએમ ઝોરામથાંગાએ અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમા અને ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાતચીત બાદ કહ્યુ કે, બંને રાજ્યો વચ્ચે જે વિવાદ છે તેને વાતચીત અને મૈત્રીપૂર્ણ વલણની સાથે ઉકેલી લેવામાં આવશે. ઝોકામથાંગાએ મિઝોરમના લોકોને અપીલ કરી કે તે સોશિયલ મીડિયા પર કોઈ એવી પોસ્ટ ન કરે, જેથી સ્થિતિ ખરાબ થાય.
ઝોરામથાંગાના નિવેદનનું અસમના મુખ્યમંત્રી સરમાએ સ્વાગત કર્યુ છે. તેમણે કહ્યુ કે બોર્ડર પર શાંતિ માટે દરેક સંભવિત પ્રયાસ કરવામાં આવશે.
ગૃહમંત્રી અમિત શાહની સાથે રવિવારે વાતચીત બાદ મિઝોરમના મુખ્યમંત્રી ઝોરામથંગાએ કહ્યુ કે ફોન કોલ દરમિયાન ર્નિણય લેવામાં આવ્યો કે સરહદ વિવાદને શાંતિપૂર્ણ રીતે સાર્થક સંવાદ દ્વારા સમાધાન કરવામાં આવશે. તેમણે ટ્વીટ કર્યું ફોન પર કેન્દ્રીય ગૃહમંત્રી અને અસમના મુખ્યમંત્રી સાથે થયેલી વાતચીત પ્રમાણે મિઝોરમ-અસમ સરહદ વિવાદને શાંતિપૂર્ણ માહોલમાં સાર્થક વાર્તા દ્વારા ઉકેલવા પર સહમત થયા છે.
હેમંત વિસ્વ સરમાએ ટ્વીટ કરી જાણકારી આપી કે તેમણે અસમ પોલીસને નિર્દેશ આપ્યો છે કે મિઝોરમના રાજ્યસભા સાંસદ કે. વનલાલવેના વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર પરત લેવામાં આવે. પરંતુ હિંસા મામલામાં જે પોલીસકર્મી વિરુદ્ધ કેસ નોંધાયેલા છે, તેના પર કેસ ચાલતો રહેશે. હેમંત બિસ્વ શર્માએ લખ્યુ- મેં માનનીય મુખ્યમંત્રી ઝોરામથાંગા દ્વારા મીડિયામાં આપવામાં આવેલા નિવેદનોને જાેયા છે.
જેમાં તેમણે સરહદ વિવાદને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની ઇચ્છા વ્યક્ત કરી છે. અસમ હંમેશા ઉત્તર પૂર્વની ભાવનાને જીવિત રાખવા ઈચ્છે છે. અમે અમારી સરહદો પર શાંતિ નક્કી કરવા માટે પ્રતિબદ્ધ છીએ. આ સદ્ભાવનાને આગળ વધારવા માટે મેં અસમ પોલીસને રાજ્યસભાના સાંસદ કે. વનલાલવેના વિરુદ્ધ એફઆઈઆર પરત લેવાનો નિર્દેશ આપ્યો છે.
પરંતુ અન્ય આરોપી પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કેસને આગળ વધારવામાં આવશે. અસમ પોલીસે મિઝોરમ રાજ્યના છ અન્ય અધિકારીઓને સમન્સ જારી કર્યુ છે અને સોમવારે ઢોલાઈ પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું કહ્યું છે.