અસરગ્રસ્તોની સહાયતામાં જોડાવવા કાર્યકરોને જીતુ વાઘાણીની સૂચના
અમદાવાદ, વડોદરા શહેર અને જિલ્લામાં ભારે વરસાદથી ભારે તારાજી થઇ છે. કુદરતી આફતની ઘડીએ વડોદરા તેમજ રાજ્યના અન્ય તમામ વિસ્તારો જ્યાં પણ ભારે વરસાદના લીધે મુશ્કેલીમાં મુકાયા છે ત્યાં તંત્ર સાથે સહયોગ સાધી અસરગ્રસ્ત લોકોની મદદ માટે ખડેપગે રહેવા ભાજપના કાર્યકરોને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ અપીલ કરી છે.
ભારે વરસાદના લીધે વડોદરા શહેર તથા જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોની મદદ માટે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ ભાજપના કાર્યકરો સાથે ગઇકાલ રાતથી જ સંપર્કમાં રહીને ફુડ પેકેટ્સ, સ્થળાંતર સહિતની મદદમાં જોડાવવા કહ્યું છે. અતિવૃષ્ટિની આફતમાં અસરગ્રસ્તોને જીવન જરૂરી ખોરાક, પીવાનું પાણી, આરોગ્યની સારવારની સુવિધા મળે તે જરૂરી છે. કટોકટીના કલાકોમાં જીવન રક્ષા પણ મહત્વપૂર્ણ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરામાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે જારી રહી હતી. બચાવ અને રાહત કામગીરીમાં જુદી જુદી બચાવ ટુકડીઓ સતત લાગેલી રહી હતી.
સ્થિતિને હળવી કરવાના પ્રયાસો કરાયા હોવા છતાં આજે પણ વિકટ સ્થિતિ રહી હતી. એનડીઆરએફના ૩૦૦થી પણ વધુ જવાનો જુદા જુદા વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરીમાં લાગેલા રહ્યા હતા. હજારો લોકોને બચાવી લેવાયા હતા જ્યારે સેંકડો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. બચાવ અને રાહત કામગીરીમાં ૧૭થી વધુ બોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વડોદરામાં અભૂતપૂર્વ વરસાદના પરિણામ સ્વરુપે આજે પણ સ્થિતિ હળવી બની ન હતી.
સ્થિતિને હળવી બનવામાં હજુ સમય લાગે તેવી શક્યતા છે. જો કે, તંત્રની જારદાર કામગીરીને કારણે રેલવે સ્ટેશનને ફરી સક્રિય કરી દેવાયું છે. જુદી જુદી સોસાયટીમાં અટવાયેલા લોકોને પણ સહાયતા પહોંચાડવાના તમામ પ્રાયસો કરવામાં આવ્યા હતા. વડોદરામાં જોરદાર વરસાદના લીધે હાલત કફોડી બનેલી છે. વડોદરાના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ આજે પણ અકબંધ રહ્યો હતો. જોકે, બચાવ અને રાહત કામગીરી યથાવતરીતે જારી રહી હતી. વડોદરામાં ૩૦૪ વિજ ફીડરોમાંથી ૪૭ વિજ ફીડરોમાં વરસાદી પાણી ભરાવવાના કારણે સાવચેતીના પગલારુપે બંધ કરાયા છે.
વડોદરાના નિચાણવાળા વિસ્તારમાંથી ૫૦૦૦ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ૭૫૦૦૦થી વધુ ફુડ પેકેટો પણ તૈયાર કરવામાં આવ્યા છે. વડોદરામાં એનડીઆરએફની વધુ પાંચ ટીમો એરલિફ્ટ કરવામાં આવી છે. અભૂતપૂર્વ બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. વડોદરા શહેર અને જિલ્લાના આજવા ડેમમાં ઉપરવાસ હાલોલ, કાલોલ અને પાવાગઢમાં પાંચ ઇંચથી વધુ વરસાદ એક સાથે થવાથી ડેમ ઓવરફ્લો થતાં સ્થિતિ જટિલ બની છે.