અસલાલીમાં ખુલ્લા ખેતરમાંથી ૧૪ પેટી દારૂ મળી આવ્યો
પોલીસે બાતમીને આધારે કાર્યવાહી કરીઃદારૂ મંગાવનારની શોધખોળ શરૂ |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ 04062019: રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા અઠવાડીયા સુધી સમગ્ર રાજ્યમાં દારૂ-જુગારના અડ્ડાઓ ઉપર ડ્રાઈવ રાખવામાં આવી છે. જેના પગલે છેલ્લા બે દિવસથી શહેરમાં દારૂના અસંખ્ય કેસ નોંધાયા છે અને મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો કબજે લઈ પોલીસ તંત્રએ કેટલાંયે બુટલેગરોને જેલના સળીયા પાછળ ધકેલ્યા છે જ્યારે કેટલાંયે બુટલેગરો નાસતા ફરી રહ્યા છે. આસ્થિતિમાં અસલાલી પોલીસે પણ નાઝ ગામની સીમમાંથી ૧૪ પેટી દારૂની મોડી રાત્રે જપ્ત કરી છે.
અસલાલી પોલીસની ટીમ દારૂ જુગારની કાર્યવાહી કરી રહી હતી એ સમયે જ નાઝ ગામની સીમમાં ઈગ્લીશ દારૂનો મોટો જથ્થો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે વર્ણન મુજબની જગ્યાએ દરોડો પાડતા મધરાત્રે ખુલ્લા ખેતરમાં ઈગ્લીશ દારૂની ૧૪ પેટીઓ મળી આવી હતી. પોલીસે તમામ પેટીઓ જપ્ત કરીને આસપાસમાં તપાસ કરી હતી. જા કે કોઈ મળી આવ્યુ નહોતુ.
આ અંગે પોલીસે ખેતરમાં માલિકની પુછપરછ હાથ ધરી છે. અને આ દારૂનો જથ્થો કોણ ત્યાં મુકી ગયુ એ અંગે માહિતી મેળવવા માટે બાતમીદારોને સક્રિય કર્યા છે. ઉપરાંત ૮૪ હજારનો આ ઈગ્લીશ દારૂ કોને આપવાનો હતો? એ દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અન્ય રાજ્યોમાંથી અમદાવાદ શહેરમાં દારૂ ઘુસડાવમાં આવે છે. જેના મુખ્ય રસ્તામાં અસલાલી પણ એક છે જ્યાં પેટ્રોલીંગ દરમ્યાન અવારનવાર દારૂ-ભરેલી ટ્રકો મળી આવતી હોય છે.