Western Times News

Gujarati News

અસહ્ય ગરમીને પગલે પ્રાઈમરી સ્કૂલો બપોરે ૧ર વાગ્યા સુધી જ ચાલુ રખાશે

(એજન્સી)અમદાવાદ,
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. હવામાન વિભાગે કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે.તે ઉપરાંત રાજકોટ અને કચ્છમાં યલો એલર્ટ સાથે હિટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ૪૨ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન રહેશે. આગ ઝરતી આ ગરમીમાં સ્કૂલોમાં ભણતા નાના ભૂલકાઓને લઈને અમદાવાદ શહેર ડીઈઓએ સ્કૂલોને કડક સૂચના આપી છે. શહેરની સ્કૂલોને બપોરે ૧૨ વાગ્યા પહેલા શૈક્ષણિક કાર્ય પૂર્ણ કરવા સૂચના આપી છે.

અમદાવાદમાં ગરમીનો પારો ૪૨ ડિગ્રી વટાવી જતાં આગઝરતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે પ્રાથમિક વિભાગમાં ભણતા નાના બાળકોને લૂ લાગે નહીં અને તેમનું આરોગ્ય સચવાઈ રહે તે માટે અમદાવાદ શહેર ડીઈઓ રોહિત ચૌધરીએ શહેરની તમામ સ્કૂલોને સૂચના આપી છે કે,૧૨ વાગ્યા સુધીમાં શૈક્ષણિક કાર્ય પૂર્ણ કરવું પડશે. ૧૨ પછી શૈક્ષણિક કાર્ય ચાલુ રહેશે તો કાર્યવાહી કરવામાં આવશે.શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ કહ્યું હતું કે, અમદાવાદમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે.

જેના કારણે નાના બાળકોને કોઈ તકલીફ ના થાય તેથી તમામ સ્કૂલોને પ્રાથમિક વિભાગમાં ભણતા બાળકોનું શૈક્ષણિક કાર્ય બપોરે ૧૨ વાગ્યા પહેલા પૂર્ણ કરી દેવા સૂચના આપી દેવાઈ છે. બપોરે ૧૨ વાગ્યા સુધીનું તાપમાન બાળકો સહન કરી શકે તેવુ માની શકાય છે. જો કોઈ શાળા બપોરે ૧૨ વાગ્યા પછી પ્રાથમિક શિક્ષણ ચાલુ રાખશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. હવામાન વિભાગે કચ્છ- સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ સાથે હિટવેવની આગાહી કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.