અસહ્ય તાપથી પપૈયાનાં પાકની વાડીઓ સુકાઈ જતાં ખેડૂતોને ભારે નુકસાન
રાયગઢ, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકા સહિત અન્ય તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલુ વર્ગે બાગાયતી પાક ગણાતા પપૈયાની ખેતીનું ખેડૂતોએ મોટાપાયે વાવેતર કરેલ છે
પરંતુ તાજેતરમાં છેલ્લા એક માસથી ક્લાઈમેટ ચેન્જને કારણે વાતાવરણમાં મોસમનો મિજાજ બદલતા ગરમ લાહ્ય જેવા પવન ફૂંકાતા સમગ્ર જિલ્લામાં હિટવેવના કારણે પપૈયા પાકના છોડ અને ફળ પર સુકારો આવી જતા ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે.
ચાલુ વર્ષે માર્ચ માસમાં જ મે માસની જેમ ગરમ લુ સાથેના ફૂંકાતા ગરમ પવનોના કારણે જિલ્લામાં વાવેતર કરેલ પપૈયાની ખેતી પાકની લીલીછમ વાડીઓમાં પાન અને ફળો પર ફૂગજન્ય વાયરસ અને ગરમીને કારણે પપૈયા છોડ સુકાઈ જઈ ફળો સડી જતાં ખેડૂતોને પપૈયા પાકની ઊપજ અને આવકમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે.
આ અંગે ખેડૂત રાજેશ પટેલના જણાવ્યા મુજબ છેલ્લા એક માસથી અસહ્ય તાપમાન અને છેલ્લા એક સપ્તાહથી શરૂ થયેલ ગરમ લુ ભર્યા પવનથી પપૈયાના છોડ અને ફળને સુકારો લાગતાં ખેડૂતોને વીઘા દીઠ રૂપિયા ૩૫થી ૫૦ હજારનું નુકસાન સહન કરવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
મોંઘા બિયારણ, ખાતર અને મોંઘી દવા સાથેના ખર્ચ સહિત તૈયાર થયેલ પાક હાથમાંથી સરી જતા પપૈયા પકવતા ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ કફોડી બની જવા પામી છે.