અસામ પૂરના પાણીમાં કાજીરંગા નેશનલ પાર્ક ગરકાવ, 96 જાનવરોના મોત
ગુવાહાટી, કુદરતી આફત સામે મનુષ્યોની જ નહીં, પશુઓની સ્થિતિ પણ દયાજનક બની રહી છે. આવુ જ કંઇક બની રહ્યુ છે અસામ પૂરની લીધે, જ્યાં કાજીરંગા નેશનલ પાર્કમાં પૂરના પાણી ઘૂસી જતા આફત આવી પડી છે. નેશનલ પાર્કમાં પૂરના પાણી અત્યાર સુધી 96 જંગલી જાનવરોનો ભોગ લઇ ચૂક્યા છે. મરનારા જંગલી પશુઓમાં ગેંડા, હરણ, જંગલી ભેંસો, જંગલી સુઅર અને બારાસિંગા સામેલ છે. આ સિવાય પણ પૂરના વહેતા પાણીથી બચવા માટે હજારોની સંખ્યામાં નેશનલ પાર્કના જાનવરો રોડ પર આવી ગયા છે.
આ અંગે માહિતી આપતા રાજ્ય સરકારે જણાવ્યુ કે નેશનલ પાર્ક અને ટાઇગર રિઝર્વ, બોકાહાટમાં પૂરના પાણીથી અત્યાર સુધી 96 જાનવરોના મોત થયા છે. કેટલાક કદાવર જાનવરો પણ પાણીથી બચવા માટે ભાગી રહ્યા છે. જેના કારણે પણ જાનવરોના મોત નીપજ્યા હતા. અસામ પૂરના લીધે કાજીરંગા નેશનલ પાર્કનો 85 ટકા ભાગ પાણીમાં ગરકાવ છે. વન વિભાગના પ્રયત્નોથી અત્યાર સુધી નાના-મોટા 132 જાનવરોને બચાવી લેવાયા હતા. કેટલાક ઘાયલ જાનવરો સારવાર હેઠળ પણ રાખવામાં આવ્યા છે.
અસામ આપાત કાલીન વ્યવસ્થા વિભાગની માહિતી મુજબ 33 જીલ્લાઓમાંથી 27 જીલ્લાઓના આશરે 40 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. કોરોના જેવી સંક્રમિત મહામારી વચ્ચે 50 હજારથી વધુ લોકોએ ઘરો છોડીને રાહત કેમ્પોમાં રહેવાની ફરજ પડી છે. પૂરમાં રાજ્યની ખેતીને પણ ભારે નુકસાન પહોંચાડ્યુ છે.