અહંકારની ખુરશી પરથી નીચે ઉતરીને ખેડૂતોને તેમનો હક આપે પીએમ મોદીઃ રાહુલ ગાંધી
નવી દિલ્હી, પંજાબ અને હરિયાણાના ખેડૂતો દ્વારા થઈ રહેલા આંદોલનને લઈને રાહુલ ગાંધી મોદી સરકારને સતત ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ફરી એક વખત સરકાર પર નિશાન સાધીને કહ્યુ હતુ કે, મોદી સરકારે પોતાનો અહંકાર છોડીને ખેડૂતોને તેમનો અધિકાર આપી દેવો જોઈએ.
ખેડૂતો દિલ્હીની બોર્ડર પર છેલ્લા 6 દિવસથી મોરચો માંડીને બેઠા છે ત્યારે રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, અન્નદાતા રસ્તા પર ધરણા કરી રહ્યા છે ત્યારે ટીવી પર જુઠ્ઠાણા ચાલી રહ્યા છે.ખેડૂતોની મહેનતનુ આપણા પર ઋણ છે.આ ઋણ તેમને ન્યાય અપાવને જ ઉતરશે, તેમને લાઠીઓ મારીને કે તેમને ધુત્કારીને તેમનુ ઋણ ચુકવી નહીં શકાય. રાહુલ ગાંધીએ પીએમ મોદીનુ નામ લીધા વગર કહ્યુ હતુ કે, જાગો અને અને અહંકારની ખુરશી પરથી નીચે ઉતરીને વિચારો અને ખેડૂતોને તેમનો અધિકાર આપો.
આ પહેલા પણ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, મોદી સરકારે ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો કર્યો હતો પણ ખેડૂતોની જગ્યાએ આ સરકારે અંબાણી અને અદાણીની આવક બમણી કરી આપી છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, જે સરકાર કાળા કૃષિ કાયદાને અત્યાર સુધી યોગ્ય બતાવતી આવી છે તે ખેડૂતોના પક્ષમાં આ સમસ્યાનુ સમાધાન કરશે તેવી આશા રાખવી નકામી છે પણ આ દેશમાં હવે ખેડૂતોની વાત થશે.