અહેમદ પટેલના જૂઠા આક્ષેપનાં ટ્વીટ સામે મુખ્યમંત્રીએ ટ્વીટ દ્વારા સત્યને ઉજાગર કરીને આંકડાઓ જાહેર કર્યાં છે.-ભરત પંડયા
ગુજરાત કોંગ્રેસના આંતરીક રાજકારણમાં તેમણે જે વેરઝેર, ઈર્ષ્યાદ્વેષ કે રમત રમવી હોય તો ભલે રમે ..પરંતુ, મહેરબાની કરીને ગુજરાતની શાંતિ-એકતા અને પ્રેમના વાતાવરણમાં અને કોરોનાની પરિસ્થિતિમાં વિવાદ,ઉશ્કેરાટ અને અરાજકતા ફેલાવવાનું રાજકારણ ન રમવું જોઈએ. – ભરત પંડયા
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતાશ્રી ભરત પંડયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી સોનીયા ગાંધીના સલાહકાર શ્રી અહેમદ પટેલે ટ્વીટ દ્વારા ગુજરાતમાં કોરોનાના ટેસ્ટીંગ ઓછા થાય છે તેવો જૂઠ્ઠો આક્ષેપ કર્યો છે. ત્યારે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ટ્વીટ દ્વારા આંકડાઓ જાહેર કરીને સત્યને ઉજાગર કર્યું છે.
શ્રી પંડયાએ જણાવ્યું હતું કે, દેશમાં કુલ કોરોના ૨૦,૭૯,૯૫૨ ટેસ્ટીંગ થયાં છે. જયારે ગુજરાતમાં ૧,૨૭,૮૫૯ ટેસ્ટીંગ થયાં છે. દેશમાં per million (૧૦ લાખ) સરેરાશ ૧૪૭૮ ટેસ્ટીંગ થયાં છે. જયારે ગુજરાતમાં per million સરેરાશ ૧૯૪૩ ટેસ્ટીંગ થયાં છે. આમ, દેશમાં અન્ય રાજયોની સરખામણીમાં પણ ગુજરાતમાં ટેસ્ટીંગ વધુ થયાં છે. તેમ છતાં શ્રી અહેમદ પટેલને આ પ્રકારની ટ્વીટ કરવાની કેમ જરૂર પડી ? તે ખબર પડતી નથી.
શું તેમનો ઈરાદો ગુજરાતમાં ભય અને ઉશ્કેરાટ ફેલાવવાનો છે ? કોરોનાની પરિસ્થિતિમાં પણ રાજકારણ રમીને શું ગુજરાતને બદનામ કરવા માંગે છે ? ડોકટર, નર્સ એટલે મેડીકલ/પેરામેડીકલ જેવા સરકારી કર્મચારીઓ જે તે વિસ્તારમાં સર્વે કરવાં અને લોકોને મદદ કરવાં જતા હતાં ત્યારે આવા કોરોના વોરીયર્સ પર કેટલીક જગ્યાએ પથ્થરમારો, હુમલાઓ થયા ત્યારે કોરોના વોરીયર્સને બચાવવા માટેની કે ટેસ્ટીંગ કરાવવાની તેમણે શાંતિની અપીલ કેમ ના કરી ?
કોંગ્રેસ માત્ર ભરૂચ મદરેસાના બાળકો માટે બીજા રાજયોમાં જવાની સ્પેશ્યલ ટ્રેનની વ્યવસ્થા કરી શકે પરંતુ હમણાં જ સુરત જીલ્લાના શ્રમિકો માટે કોંગ્રેસે બે ટ્રેન બુક કરીને પૈસા કેમ ન ભર્યાં ? તે અંગે કોઈ સુચન, અપીલ કે વ્યવસ્થા તેમણે કેમ ન કરી ? ગુજરાત કોંગ્રેસના આંતરીક રાજકારણમાં તેમણે જે વેરઝેર, ઈર્ષ્યાદ્વેષ કે રમત રમવી હોય તો ભલે રમે પરંતુ મહેરબાની કરીને ગુજરાતની શાંતિ-એકતા અને પ્રેમના વાતાવરણમાં અને કોરોનાની પરિસ્થિતિમાં વિવાદ, ઉશ્કેરાટ અને અરાજકતા ફેલાવવાનું રાજકારણ ન રમવું જોઈએ. તેવી અપીલ શ્રી પંડયાએ કરી હતી.