Western Times News

Gujarati News

અહેમદ પટેલના પુત્ર-પુત્રીનો રાજકારણમાં જોડાવા ઈનકાર

ભરુચ: કોંગ્રેસના વરિષ્ઠ સ્વ. નેતા અહેમદ પટેલના દીકરા-દીકરીએ સક્રિય રાજકારણમાં જોડાવા અંગેની અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. અહેમદ પટેલના દીકરા ફૈઝલ પટેલ અને દીકરી મુમતાઝે જણાવ્યું છે કે, તેઓ રાજકારણમાં જોડાવાને બદલે પિતા દ્વારા શરુ કરવામાં આવેલા સામાજીક કાર્યને આગળ વધારશે. રાજ્યસભાના સાંસદ એવા અહેમદ પટેલના અવસાનથી તેમની બેઠક પણ ખાલી પડી છે. એવી અટકળો હતી કે અહેમદ પટેલના દીકરા કે દીકરીને કોંગ્રેસ આ બેઠક પરથી ચૂંટણી લડાવી શકે છે.

સોમવારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના પક્ષના વરિષ્ઠ નેતાઓએ પીરામણ જઈ અહેમદ પટેલના પરિવારજનોની મુલાકાત લીધી હતી. ફૈઝલ પટેલે જણાવ્યું હતું કે સમાજના વિભિન્ન વર્ગના લોકો તેમના પિતાને શ્રદ્ધાંજલિ આપવા માટે આવી રહ્યા છે, અને મારા પિતાએ તેમને કઈ રીતે મદદ કરી હતી તેની વાતો કરી રહ્યા છે. મારા પિતા પ્રત્યે લોકોનો આવો પ્રેમ અમને અભિભૂત કરનારો છે. કેટલાક રાજકારણીઓ અમને સક્રિય રાજકારણમાં જોડાવા માટે પણ સલાહ આપી રહ્યા છે. જોકે, અમે લોકોને કહેવા ઈચ્છીએ છીએ કે અમારો રાજકારણમાં જોડાવાનો કોઈ ઈરાદો નથી, અને અમે અમારા પિતાએ શરુ કરેલા સામાજીક કાર્યને આગળ ધપાવવાનું પસંદ કરીશું, તેમ પણ ફૈઝલ પટેલે કહ્યું હતું.

પીરામણમાં અહેમદ પટેલ દ્વારા એચએમપી ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી હતી, જે આરોગ્ય તેમજ શિક્ષણના ક્ષેત્રે આસપાસના ગામડામાં કામ કરે છે. આ સંસ્થા આઈટીઆઈ પણ ચલાવે છે, અને એક દવાખાનું, ત્રણ એમ્બ્યુલન્સ તેમજ ગરીબોને ફ્રીમાં શિક્ષણ પણ પૂરું પાડે છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ફૈઝલ તેમજ મુમતાઝ સક્રિય રાજકારણમાં જોડાવા નથી ઈચ્છતા. પરંતુ અમે માનીએ છીએ કે જો તેઓ પક્ષ સાથે જોડાશે તો તેનાથી પક્ષ સાથે તેમને પણ અહેમદભાઈની શાખનો ફાયદો મળશે.

અહેમદ પટેલે ૨૫ નવેમ્બરે અંતિમ શ્વાસ લીધા હતા. તેમને કોરોના થયા બાદ શરીરના અંગોએ કામ કરી દેવાનું બંધ કરી દેતા અહેમદ પટેલનું ૭૧ વર્ષની વયે અવસાન થયું હતું. સ્વર્ગસ્થ નેતાની દફનવિધિ તેમની ઈચ્છા અનુસાર ભરુચથી ૧૪ કિમી દૂર આવેલા તેમના વતન પીરામણ ગામમાં કરવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.