અ.મ્યુ.કો.માં નિમંત્રણ પત્રિકાઓ માટે રૂ.૧.પ૦ કરોડનો ખર્ચ
મ્યુનિ.કોર્પોરેશનનો વૈભવઃ પબ્લીસીટી ખાતા દ્વારા ભ્રષ્ટાચાર થાય છે ખરો : પરંતુ તે દેખાતો નથી તેવા કટાક્ષ પણ થઈ રહયા છે |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ મહાનગર સેવાસદનમાં પ્રજાકીય કામો માટે બિરાજમાન અધિકારીઓ અને પદાધિકારીઓ પ્રજાના પરસેવાની કમાણીનો ધુમાડી કરી રહયા છે તે બાબત વખતોવખત પુરવાર થઈ ચુકી છે. મ્યુનિ. હોદ્દેદારો અને ઉચ્ચ અધિકારીઓને રૂ.૧પ લાખથી ઓછી કીંમતની ગાડીમાં ફરવાનું પસંદ નથી તથા ઓફીસમાં ત્રણ-ચાર એ.સી. ચાલતા ન હોય તો મગજ શાંત રહેતા નથી.
સતા છે ત્યાં સુધી સુખ ભોગવી લેવાની નીતિ ઘણા સમયથી ચાલતી આવી છે. મ્યુનિ. શાસકપક્ષ અને વહીવટીતંત્રના મહાનુભાવો પ્રજાના રૂપિયા કેવી રીતે ખર્ચ કરવા તેના નવા-નવા નુસખા અજમાવી રહયા છે. તેવી ચર્ચાપણ ચાલી રહી છે. તહેવારો કાર્નીવલોની ઉજવણી માટે કરોડો રૂપિયાના ખર્ચ તો થાય જ છે. પરંતુ તેની આમંત્રણ પત્રિકા માટે પણ પાંચ વર્ષમાં કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ભૂમિપૂજન, લોકાર્પણ, કાંકરીયા કાર્નિવલ, પુસ્તકમેળો, ફલાવર-શો જેવા વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવે છે. જેના માટે કેટલા રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. તેનો કોઈ જ હિસાબ હજી સુધી જાહેર થયા નથી તેમજ તેના ઓડીટ પણ થતા નથી. પબ્લીસીટી ખાતાના ઉચ્ચઅધિકારીને ઈચ્છા થાય તે મુજબ અને તેટલી રકમના કોન્ટ્રાકટ આપવામાં આવે છે. જેનો ખર્ચ અલગ-અલગ વિભાગના બજેટહેડમાં દર્શાવવામાં આવે છે.
તેથી પબ્લીસીટી ખાતા દ્વારા ભ્રષ્ટાચાર થાય છે ખરો પરંતુ તે દેખાતો નથી તેવા કટાક્ષ પણ થઈ રહયા છે. મ્યુનિ.કોગ્રેસ પક્ષના કોર્પોરેટર શાહનવાઝ શેખના જણાવ્યા મુજબ પુસ્તકમેળા, કાર્નીવલ કે ભૂમિપૂજન જેવા વિવિધ કાર્યક્રમો માટે જે નિમંત્રણ પત્રિકા અને કવર છપાવવામાં આવે છે. તેના માટે પણ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહયા છે.
મ્યુનિ. પબ્લીસીટી વિભાગે ર૦૧ર-૧૩માં રૂ.૧૬.૮૩ લાખ ર૦૧૩-૧૪માં રૂ.૧પ.૧૬ લાખ ર૦૧૪-૧પ માં રૂ.૧૧.૧૮ લાખ, ર૦૧પ-૧૬ માં રૂ.૧૩.પપ લાખ, ર૦૧૬-૧૧૭માં રૂ.પ૬.૬૭ લાખ તથા ર૦૧૭-૧૮ માં રૂ.૪ર.ર૮ લાખનો ખર્ચ કરવામાં આયો છે. આમ, છ વર્ષના ખર્ચ કરવામાં આવ્યો છે. આમ છ વર્ષના સમયગાળામાં માત્ર નિમંત્રણ પત્રિકાઓ માટે જ રૂ.૧.પપ કરોડ નો ખર્ચ થયો છે. શહેરના નાગરીકો માળખાગત સુવિધા માટે વેરા ભરે છે. જેનો દુર્વવ્ય થઈ રહયો છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
અત્રે નોંધનીય છે કે મનપાના ઉચ્ચ અધિકારી અને હોદ્દેદારો છેલ્લા ઘણા સમયથી પ્રજાકીય કામો સિવાય જે રીતે નાણા ખર્ચ કરી રહયા છે. તે ચર્ચાનો વિષય બન્યો છે. મેયર તથા ડે.મ્યુનિ. કમીશ્નર કક્ષાના અધિકારી અમેરીકા ટુર પર જઈ આવ્યા છે. જેના માટે સ્પોન્શરશીપ હોવાની જાહેરાત થઈ હતી.
ત્યારબાદ મ્યુનિ.કમીશ્નરે અને સ્ટેન્ડીગ ચેરમેન સ્પેનના પ્રવાસે ગયા છે. જયારે પક્ષનેતા દંડક તથા રિક્રિએશન કમીટી ચેરમેન યુ.કે. ગયા છે. આ તમામ વિદેશ યાત્રા માત્ર એક મહીનાના સમયગાળામાં જ થઈ છે. તે પહેલા ભાજપ અને કોગ્રેસના કોર્પોરેટરો પણ ખાસ સ્ટડી-ટુરના આયોજન કરવામાં આવ્યા હતા. આ સ્ટડી-ટુરનો લાભ કોને-કેટલો થયો છે ? તે બાબત મધ્યાહાર છે.
પરંતુ પ્રજાની કમર તૂટી રહી છેતે બાબત યથાર્થ છે. સુત્રોનું માનીએ તો દિવાળીના તહેવારો દરમ્યાન જે શુભેચ્છા કાર્ડ છપાવવામાં આવે છે. તેના માટે પણ લાખો રૂપિયા ખર્ચ થાય છે. જયારે “કવર” (કાર્ડના) ના ખર્ચની ગણત્રી આજ-દીન સુધી થઈ નથી. અને કરવામાં પણ આવતી નથી.