Western Times News

Gujarati News

આંકડાની માયાજાળમાં કોરોનાની સાચી સ્થિતિ અંગે લોકોમાં દ્વીધા

Files Photo

અમદાવાદ: શહેરમાં દિવાળી બાદ કોરોના વિસ્ફોટ થયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે તેવામાં છેલ્લા બે-ત્રણ દિવસોથી મ્યુનિ. દ્વારા જાહેર કરવામાં આવતા કોરોનાના એક્ટિવ કેસોના આંકડા આશ્ચર્યજનક રીતે ઘટી રહ્યા છે. જોકે તેની સામે માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં હજુ એટલો ઘટાડો થયો નથી, તે જોતા શહેરમાં કોરોનાની સ્થિતિને લઈને અસમંજસની સ્થિતિ પ્રવર્તી રહી છે. માહિતી મુજબ, શહેરના પશ્ચિમ અમદાવાદમાં તથા દક્ષિણ ઝોનના મણીનગર, ઈસનપુર, ઘોડાસર, વટવા વગેરે વિસ્તારોમાં કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે. સામાન્ય નાગરિકો એકબીજાને મળે ત્યારે તેમના ત્યાં કોરોનાના કેસો વિશે પૂછતા હોય છે.

નાગરિકો પણ શહેરોમાં કોરોનાના કેસ વધ્યા હોય તેમ સ્પષ્ટપણે માની રહ્યા છે એવામાં મ્યુનિ. તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતા કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૨૬૬૦ થઈ ગઈ છે. તેની સામે ખાનગી હોસ્પિટલોના પ્રાઈવેટ બેડ પર હાલની સ્થિતિએ ૨૭૦૬ દર્દી અને ખાનગી હોસ્પિટલો સંચાલિત કોવિડ કેર સેન્ટરમાં ૮૭ મળીને ૨૭૯૬ દર્દીઓ સારવાર હેઠળ છે.

જોકે ખાનગી હોસ્પિટલોના પ્રાઈવેટ બેડમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં ૧૦૦ અને ૨૦૦નો ઘટાડો થયો છે તે સારી બાબત કહી શકાય. આવી જ રીતે કોરોના ટેસ્ટ માટે લાગતી લાઈનો પણ ઓછી થઈ છે પરંતુ સોસાયટીઓમાં વધેલા કોરોનાના કેસને પગલે સંક્રમણ અટકાવવા જાહેર કરાયેલા માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારોની સંખ્યા હજુ ૩૦૦ આસપાસ છે.

બુધવારે મ્યુનિ. તંત્ર દ્વારા ૧૧ જગ્યાઓને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાંથી દૂર કરાઈ તો તેની સામે વધુ ૧૦ જગ્યાઓ તેમાં ઉમેરાઈ. આમ માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારની સંખ્યામાં માત્ર એકનો ઘટાડો નોંધાયો છે. શહેરમાં હાલની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસોની વાત કરીએ તો મ્યુનિ.ના આંકડા મુજબ ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૪૯૧, પશ્ચિમ ઝોનમાં ૪૬૨, દ.પશ્ચિમ ઝોનમાં ૪૪૭, દક્ષિણ ઝોનમાં ૩૯૫, ઉત્તર ઝોનમાં ૨૮૭, પૂર્વ ઝોનમાં ૨૮૮, મધ્ય ઝોનમાં ૨૮૦ થઈને કુલ ૨૬૬૦ એક્ટિવ કેસો છે. આમ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધ્યું કે ઘટ્યું તે મામલે કોઈ સ્પષ્ટ માહિતી મળી શકી નથી, પરંતુ લોકમુખે ચાલતી ચર્ચા અનુસાર કેસ વધી રહ્યા છે,

જ્યારે મ્યુનિ.ના સત્તાધીશો કેસ અંકુશમાં હોવાનો દાવો કરી રહ્યા છે, તેના પગલે શહેરમાં કોરોના અંગે નાગરિકોમાં પણ મુંઝવણભરી પરિસ્થિતિ સર્જાયેલી જોવા મળી રહી છે. બીજી તરફ મ્યુનિ. કોંગ્રેસના મહિલા કોર્પોરેટર આફરીનબાનુએ મ્યુનિ. કોંગ્રેસપક્ષના નેતા કમળાબેન ચાવડા સાથે મળીને એવો આક્ષેપ કર્યો છે કે ગોમતીપુર વોર્ડમાં આવેલા કેશવલાલના ડહેલામાંથી કુલ ૭ વ્યક્તિઓને કોરોનાની સારવાર માટે મ્યુનિ.ના ક્વોટામાં ઓઢવની સીયુએચ હોસ્પિટલ તથા વસ્ત્રાલની અવધ હોસ્પિટલોમા દાખલ કરાયા હતા.

આ હોસ્પિટલોમાં દર્દીઓને પાંચથી સાત દિવસ સુધી રાખીને રજા આપી દેવાઈ છતાં મ્યુનિ.ના ચોપડે ૧૪થી ૧૫ દિવસની સારવાર ગણાવવામાં આવી રહી છે. આ મામલે ડેપ્યુટી કમિશનરને પત્ર લખીને આવા કિસ્સામાં વિજિલન્સ તપાસ યોજવા તેમજ ખાનગી હોસ્પિટલોને ખોટી રીતે બિલો ચૂકવાઈ ગયા છે કે કેમ તેની તપાસ કરવા માગણી કરાઈ છે. બીજી તરફ મ્યુનિસિપલ કચેરીમાં કોરોનાના કેસોથી જુદા જુદા ખાતાના કર્મચારીઓ હજુ પણ સંક્રમિત થઈ રહ્યા છે. માહિતી મુજબ, હેલ્થ ખાતાના આરોગ્ય ભવન ખાતે ચાર અને સેક્રેટરી ઓફિસમાં એક મળીને પાંચ કર્મચારીઓ કોરોના પોઝિટિવ જાહેર થયા છે. આ ઉપરાંત પણ બીજા કેટલાક કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થયા હોવાની ચર્ચા થઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.