આંખો લાલ હશે તો પોલીસ દારુડિયા સમજી ઉભા રાખશે
અમદાવાદ: કોરોનાને કારણે કોઈ વ્યક્તિએ દારુ પીધો છે કે કેમ તે ચેક કરવા તેનું મોઢું ના સૂંઘવું તેવો આદેશ તમામ પોલીસકર્મીને અપાયો છે. દારુડિયાનું મોઢું સૂંઘ્યા વિના જ તે ખરેખર નશાની હાલતમાં છે કે કેમ તે જાણવું મુશ્કેલ તો છે, પરંતુ પોલીસવાળાની અનુભવી નજર મોઢું સૂંઘ્યા વિના જ વ્યક્તિની આંખો જાેઈને તેણે દારુ પીધો છે કે નહીં તેનો અંદાજ લગાવી શકે છે. તેવામાં હવે કોઈની આંખ લાલ છે કે કેમ તે જાેઈને પોલીસ તેણે દારુ પીધો છે કે નહીં તે ચેક કરશે. થર્ટી ફર્સ્ટને હવે ખાસ દિવસો નથી બચ્યા.
ન્યૂ યરની પાર્ટી દારુ વિના અધૂરી ગણાય તેવું માનનારો મોટો વર્ગ છે, પરંતુ આવા લોકોને મોઢું સૂંઘ્યા વિના જ પકડવા માટે હવે પોલીસ પર્યાપ્ત માત્રામાં બ્રેથ એનાલાઈઝર ઉપલબ્ધ ના હોવાના કારણે દારુડિયાને પકડવા અવનવા રસ્તા શોધી રહી છે. સૂત્રોનું માનીએ તો મોઢું સૂંઘવા પર મનાઈ હોવાના કારણે આ વખતની થર્ટી ફર્સ્ટ પર પોલીસના હાથે ઝડપાયેલા દારુડિયાનો આંકડો ઓછો રહે તેવી શક્યતા છે. પોલીસ આંખો જાેઈને પીધેલાને પકડી શકે છે,
પરંતુ આંખ લાલ હોવાના કારણ બીજા પણ હોઈ શકે છે. જેમ કે, કોઈ ગુસ્સામાં હોય, પૂરતી ઊંઘ ના મળી હોય કે પછી કોઈ પ્રકારની દવા ચાલતી હોય તો પણ વ્યક્તિની આંખ લાલ હોઈ શકે. એક સિનિયર પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, હવે કોઈ દારુડિયો પકડાય તો તે અંગેની એફઆઈઆરમાં એવો ઉલ્લેખ કરવામાં આવશે કે પકડાયેલા વ્યક્તિની આંખો લાલ અને નશામાં ઘેરાયેલી હતી. ટેક્નોલોજીના જમાનામાં પોલીસ ટ્રાફિકના નિયમોને તોડનારા લોકોને મેમો ફટકારવા ભલે કેમેરાનો ઉપયોગ કરતી હોય
પરંતુ દારુડિયાને પકડવા માટે તે હજુય ટેક્નોલોજી પર ઓછો અને મોઢા કે પછી આંખ પર વધારે આધાર રાખી રહી છે. અગાઉ દારુડિયાના કેસમાં પોલીસ એવું નોંધતી હતી કે આરોપીનું મોઢું પોલીસકર્મી તેમજ પંચ દ્વારા સૂંઘવામાં આવ્યું હતું અને તેમાંથી દારુની વાસ આવતી હતી. જાેકે, કોરોનાને કારણે કોઈ આરોપીનું મોઢું ના સૂંઘવું તેવો તમામ પોલીસકર્મીઓને આદેશ અપાયો છે. જે વ્યક્તિની આંખો લાલ હશે તેને પોલીસ ચલાવીને પણ જાેશે.
જાે વ્યક્તિ લથડીયા ખાશે તો તેના પર પ્રોહિબિશનની લાગતી-વળગતી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવશે, અને બાદમાં તેનો મેડિકલ ટેસ્ટ પણ કરાશે. પોલીસ આ અઠવાડિયાથી જ લોકોને ચેક કરવાનું શરુ કરશે, જેમાં લાલ આંખ હોય તેવા લોકો પર ખાસ નજર રખાશે.