આંગડિયા પેઢીઓ આધુનિક બનીઃ GPSનો ઉપયોગ શરૂ કર્યો
અમદાવાદ, આંગડિયા પેઢીના લોકોને લુંટી લેવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં હવે આંગડિયા પેઢીના કાર્મચારીઓને વધુ સાવધાન રહેવાની જરૂર દેખાઈ રહી છે. આંકડા દર્શાવે છે કે, છેલ્લા ચાર વર્ષના ગાળામાં આંગડિયા પેઢીના કર્મીઓએ ૨.૫ કરોડની કિંમતની સંપત્તિ અને રોકડ રકમ ગુમાવી દીધી છે. મોટાભાગના કેસો મુંબઈ, અમદાવાદ, પાટણ, મહેસાણા અને રાજકોટના નોંધાયા છે. બીજી બાજુ છેલ્લા ચાર વર્ષના ગાળામાં લૂંટની કુલ રીકવરી ૧.૮૦ કરોડની રહી છે. આંકડા એમ પણ દર્શાવે છે કે, સુરતમાં ૨૦થી વધુ આંગડિયા કંપનીઓ મુંબઈમાં નિયમિત પણે ૭૦૦ કરોડની કિંમતના હિરા ડિલીવર કરે છે.
લૂંટારાઓ છેલ્લા કેટલાક સમયથી નિયમિતપણે આંગડિયા પેઢીના કર્મીઓને ટાર્ગેટ બનાવી લૂંટ ચલાવે છે. હાલના વર્ષોમાં લૂંટારાઓ દ્વારા ટાર્ગેટ બનાવવામાં આવ્યા બાદ આ કંપનીઓએ પણ અતિ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાની શરૂઆત કરી દીધી છે. જીપીએસ ટ્રેકીંગ સિસ્ટમનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે.
કુરિયર બેગમાં જીપીએસ ટ્રેકીંગ સાધનો મુકવામાં આવી રહ્યા છે. હાલમાં જ બનેલા બનાવો ભારે ચકચાર જગાવે છે. નવેમ્બર ૨૦૧૮માં આવો જ એક કેસ સપાટી પર આવ્યો હતો. સુરતના મહિન્દ્રપુરામાં આવેલી આંગડિયા પેઢીના એક કર્મચારી પાસેથી વહેલી પરોઢે ૫૦ લાખની કિંમતની સંપત્તિની લુંટ કરવામાં આવી હતી.
ચોર ટોળકી ડીલીવરી બેગ લઈને ફરાર થઈ ગઈ હતી. કંપનીના માલિકે પોલીસનો સંપર્ક કર્યો હતો અને ટ્રેકિંગ ડિવાઈજની માહિતી પોલીસને આપી હતી. કલાકોના ગાળાની અદર જ માહિતી મેળવી હતી અને ગુન્હેગારોને પકડી પાડ્યા હતા. હાલમાં ભાવનગર પોલીસે પણ આવી જ રીતે બે લોકોને પકડી પાડ્યા હતા. જીપીએસ સિસ્ટમ બેગમાં ઉપયોગી બની રહી છે.