આંગડિયા પેઢીના માલિકની કાર પર જ્વલનશીલ પદાર્થ છાંટી આગ ચાંપી

અમદાવાદ, શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા ડાયમંડ પાર્કની સામે મોડી રાતે એક અજાણ્યો શખ્સ કારને આગ લગાવીને નાસી જતાં ચકચાર મચી ગઇ છે. આંગડિયા પેઢીના માલિકે પોતાની ઓફિસ સામે કાર પાર્ક કરી હતી. મોડીરાતે એક યુવકે કાર પર જ્વલનશીલ પદાર્થ છાંટીને આગ લગાવી હતી. પહેલાં તો આગ કુદરતી લાગી હોવાનું સામે આવ્યુ હતું,
પરંતુ સીસીટીવી ફૂટેજ જાેતાં યુવકે જાણી જાેઇને આગ લગાવી હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ થઇ છે. નિકોલ વિસ્તારમાં આવેલા કેન્સવિલામાં રહેતા અને બાપુનગરની પી.શૈલેશ નામની આંગડીયા પેઢી ધરાવતા જિજ્ઞેશભાઇ સુતરીયાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરૂદ્ધ કાર સળગાવી દેવાની ફરિયાદ કરી છે.
જિજ્ઞેશભાઇએ આંગડિયા પેઢીના રૂપિયા લઇ જવા તેમજ લાવવા માટે વર્ષ ૨૦૧૮માં એક કારની ખરીદી કરી હતી. આ કાર બાપુનગર ડાયમંડ પાર્ક સામેના પાર્કિંગમાં હોય છે. મોડી રાતે તેમાં કોઇએ આગચંપી કરી છે.
ગઇકાલે મોડી રાતે જિજ્ઞેશભાઇને ડ્રાઇવર કમલેસભાઇ પટેલે ફોન કરીને કહ્યું હતું કે ડાયમંડ માર્કેટના સિક્યોરિટી ગાર્ડનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે કારમાં આગ લાગી છે. મોડી રાતે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને કારમાં લાગેલી આગ કાબૂમાં લઇ લીધી હતી તો બીજી તરફ જિજ્ઞેશભાઇ પણપોતાની ઓફિસે પહોંચી ગયા હતા.
જિજ્ઞેશભાઇએ ડાયમંડ માર્કેટના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં સામે આવ્યું હતું કે એક યુવકે જ્વલનશીલ પદાર્થ કાર પર ફેંકીને આગ લગાવી હતી. જિજ્ઞેશભાઇએ બાપુનગર પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સીસીટીવી ફૂટેજના આધારે આગ લગાવનાર યુવક વિરૂદ્ધ ગુનો દાખલ કરી તેને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે.