આંગડીયા કંપનીનો મેનેજર ૭૫ લાખ રૂપિયાની રોકડ લઈ ભેદી સંજોગોમાં ગુમ
મેનેજર અમદાવાદથી લુધિયાણા જવા નીકળ્યો હતો: ખાડીયા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી
(પ્રતિનિધિ)અમદાવાદ, ખાડીયામાં આવેલી એક પેઢીની બ્રાન્ચ પંજાબમાં પણ આવેલી છે. જેનો મેનેજર રોકડા રૂપિયા ૭૫ લાખ અમદાવાદથી લઈ ગયા બાદ અઠવાડીયાથી ગાયબ થઈ જતાં ચકચાર મચી છે.
પેઢીનાં માલિકે મેનેજરનાં પરીવારનો સંપર્ક કરતાં તે પણ મેનેજરનાં ગાયબ થવા અંગે અજાણ છે. શોધખોળ બાદ પણ મેનેજર ન મળતાં છેવટે ખાડીયા પોલીસ સ્ટેશનમાં તેનાં વિરૂદ્ધ રૂપિયા ૭૫ લાખની છેતરપિંડીની ફરયાદ નોંધાવવામાં આવી છે.
આ અંગેની વિગત એવી છે કે કનુભાઈ નાઈ પચ્ચીસ વર્ષથી ખાડીયામાં આવેલી ફતાસાની પોળમાં કનુભાઈ કાંતિલાલ નામની આંગડીયા પેઢી ભાગીદારીમાં ચલાવે છે.
તેમની દેશભરમાં કુલ ૧૫ શાખાઓ આવેલી છે. તેમની એક શાખા લુધીયાણા, પંજાબ ખાતે છે. જેમાં ચાર વર્ષથી મુળ મહેસાણાનો અને હાલમાં દેવ સૃષ્ટિ ફ્લેટ, નિકોલ ખાતે રહેતો કિશન રાજેશભાઈ પટેલ મેનેજર તરીકે નોકરી કરે છે. ધંધામાં જરૂર પડતી હોવાથી કિશન અવારનવાર પંજાબથી આવી રોકડ રકમ અમદાવાદથી લઈ જતો હતો.
એ જ રીતે ૧૫મી સપ્ટેમ્બરે પણ કિશન અમદાવાદ આવ્યો હતો. અને કનુભાઈએ તેને ૭૫ લાખ રૂપિયા રોકડા આયા હતા. ચાર-પાંચ દિવસ બાદ કનુભાઈએ કિશનનો સંપર્ક કરતાં ફોન બંધ આવતો હતો. જેથી તેમણે લુધિયાણાની પેઢીમાં અન્ય કર્મીને ફોન કરતાં કિશન હિસાબનાં ચોપડાં બતાવવા અમદાવાદ ગયા બાદ હજુ સુધી પરત ન આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી કિશનનાં ઘરે સંપર્ક કરતાં તેનાં પિતાએ કિશન અંગે કોઈ ખબર ન હોવાનું જણાવ્યું હતું.
બાદમાં કનુભાઈ અને તેમનાં ભાગીદારોએ કિશનનાં ઘર તથા વતન સહિતની જગ્યાએ તપાસ કરવા છતાં તે મળી આવ્યો ન હતો. જેનાં પગલે તેમણે છેવટે ખાડીયા પોલીસ સ્ટેશનમાં કિશન વિરૂદ્ધ રૂા.૭૫ લાખની રકમની ઠગાઈ કરવાની ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદના પગલે પોલીસ પણ સક્રિય થઈ હતી અને કિશનને શોધવા તુરંત તપાસ શરૂ કરી છે. બીજી તરફ ૭૫ લાખ રૂપિયા જેટલી મોટી રકમ લઈ આંગડીયા પેઢીનાં મેનેજર એકાએક ભેદી સંજાેગોમાં ગુમ થઈ જતાં આંગડીયાનાં વેપારીઓમા પણ ચર્ચા ચગડોળે ચઢી છે.