આંગણવાડીઓમાં આકરી ગરમીનો સામનો કરતા ભૂલકાઓ
ઈડર-વડાલીની આકરા તાપથી નાના બાળકોને રક્ષણ મળી રહે તેવી લોકમાંગ ઉઠી
વડાલી, ઈડર વડાલી તાલુકામાં અસહ્ય ગરમીના ધોમધખતા આકરા તાપમાં આંગણવાડી કેન્દ્રોમાં નાના ભૂલકાઓ શિક્ષણ કાર્ય કરવા મજબૂર બન્યા છે. હીટવેવની આગાહીને લઈ સરકાર દ્વારા નાના ભૂલકાઓ સામે ધ્યાન આપી સમયમાં ફેરફાર કરવામાં આવે તે ઈચ્છનીય છે.
એસી ઓફિસોમાં હવા ખાઈ રહેલા અધિકારીઓને શું હીટવેવની આગાહી સામે શિક્ષણ કાર્યમાં જોડાયેલા આંગણવાડીના નાના ભુલકાઓ નહી દેખાતા હોય ? તેવા સવાલો થઈ રહ્યા છે.
રાજયભરમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે અને છેલ્લા કેટલાય દિવસોથી સૂર્ય નારાયણ કોપાયમાન થયા છે. હાલમાં ૪ર થી ૪પ ડિગ્રી ગરમીનો પારો ઉંચકાતા હીટવેવની આગાહી કરવામાં આવી છે ત્યારે ગરમીના આકરા તાપ વચ્ચે ઈડર-વડાલી તાલુકામાં આવેલી આંગણવાડી કેન્દ્રોમાં નાના ભુલકાઓ શિક્ષણ કાર્ય કરવા મજબૂર બન્યા છે.
હાલમાં રાજય સરકાર દ્વારા સરકારી તેમજ ખાનગી શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી છે અને હીટવેવની આગાહી કરી છે ત્યારે આકરા ઉનાળાના ધોમધખતા તાપમાં આ નાના ભૂલકાઓનો શું વાંક ? આવા કેટલાય સવાલો આંગણવાડી કેન્દ્રોમાં શિક્ષણ કાર્ય અર્થે આવતા નાના ભૂલકાઓ માટે ઉભા થયા છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં વહેલી સવારે ૮ વાગ્યાથી નાના બાળકો બપોરના ૧ર વાગ્યા સુધી આંગણવાડી કેન્દ્રોમાં જોવા મળે છે
જયાં બાળકોને સવાર અને બપોરના સમયે ગરમ નાસ્તો આપવો, પ્રાથમિક શિક્ષણ આપવું, બાલક-પાલક જેવા કેન્દ્રોમાં નાના ભૂલકાઓને પ્રોગ્રામ આપવામાં આવી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા હીટવેવની આગાહી વચ્ચે બાળકોને ઘરે પૂરક પોષણની કાચી સામગ્રી આપવામાં આવે અને નાના બાળકોને રજાઓ આપવામાં આવે, જેથી ઉનાળાના આકરા તાપથી નાના બાળકોને રક્ષણ મળી રહે તેવી લોક માંગ ઉઠવા પામી છે.