આંગણવાડી વર્કર, આશા વર્કર બહેનોની ત્રિવેણીથી પોષણ અભિયાનને સફળતા મળશે
- જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરુણ મહેશ બાબુ
અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇના કઠવાડા ખાતે આવેલી કઠવાડા પ્રાથમિક શાળામાં ‘ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦’ ‘ચાલો સુપોષિત ગુજરાતનું નિર્માણ કરીએ’ કાર્યક્રમની ઉજવણી મહિલા અને બાળ વિકાસ, વિભાગ શાખા, દસ્ક્રોઇ ખાતે દ્વારા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં એનર્જી અને પ્રેટ્રોકેમિકલ ડિપાર્ટમેન્ટના અગ્રસચિવ શ્રીમતિ સુનયના તોમર દ્વારા બાળકોની અન્ન પ્રાસાન વિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન અગ્રસચિવ શ્રીએ પોષણ અભિયાનને લઇને ઉપસ્થતિ મહિલાઓ અને આગણવાણી બહેનો સાથે વાતચીત કરીને જરૂરી માર્ગદર્શન પણ પૂરૂ પાડ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, ‘ગુજરાત પોષણ અભિયાન 2020’ અંતર્ગત સગર્ભા માતા, ધાત્રી માતા, કિશોરીઓની આરોગ્ય તપાસ, વાનગી હરિફાઈ જેવા કાર્યક્રમ યોજીને લોક જાગૃતિ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આંગણવાડી અને સખીમંડળોના સહયોગથી ખાસ પોષણ ઝુંબેશ જેવા અનેકવિધ કાર્યક્રમો દ્વારા કુષોષણ સામે લોકજાગૃતિ ફેલાવાશે. આંગણવાડી વર્કર, આશા વર્કર અને એ.એન.એમ બહેનોની ત્રિવેણીથી આ અભિયાનને સફળતા મળી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા બાળકોની ખૂબ જ ચિંતા કરવામાં આવી રહી છે. ત્યારે બાળકોને પોષણ મળી રહે તે માટેના પોષણયુક્ત પેકેટમાં ખોરાકનું વિતરણ બાળકોને આંગણવાડીમાં કરવામાં આવે છે. માત્ર બાળકો જ નહીં પરંતુ જે બાળક ભવિષ્યમાં જન્મવાનું છે તેવા ગર્ભસ્થ શિશુ-ગર્ભવતી માતા અને ભવિષ્યમાં મા બનનારી કુમારિકાઓના પોષણ માટે પણ આયોજનબદ્ધ અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીમતિ શિલ્પાબેને કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા “સહી પોષણ દેશ રોશન”ના સુત્રને ચરિતાર્થ કરવા માટે અમદાવાદ જિલ્લો પાછી પાની નહીં કરે અને કિશોરી, સગર્ભા માતા, ધાત્રી માતા, બાળક એમ તમામ સ્તરે પોષણ મળી રહે તે માટે આ યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે.
આ અભિયાન અંતર્ગત પ્રત્યેક ગામડાંઓમાં ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યારે નવજાત શિશું સંભાળ, સ્તનપાન માટે જાગૃતિ, જન્મ સમયે ઓછા વજનવાળા બાળકોના પોષણ સંદર્ભે ખાસ આયોજન બાળકો અને મહિલાઓમાં પાંડુરોગની તપાસણી કેમ્પ, પોષણ, સ્વચ્છતા અને આરોગ્ય કેમ્પો, શાળાઓમાં વિદ્યાર્થીઓને પોષણ જ્ઞાન મળે તેવા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ અભિયાન અંતર્ગત આંગણવાડી સંપૂર્ણ સુપોષિત હશે તેવી શ્રેષ્ઠ કામગીરી કરનારી બહેનોને રૂ. ૧ર હજાર થી રૂ. ૬ હજાર સુધીના પુરસ્કારથી સન્માનિત કરાશે.
આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી બાબુભાઇ પટેલ તેમજ દસ્ક્રોઇ તાલુકા વિકાસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ‘ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦’ ૩૦ જાન્યુઆરી, ૩૧ જાન્યુઆરી અને ૧ ફેબ્રુઆરી દરમિયાન અમદાવાદ જિલ્લામાં વિવિધ સ્થળો પર યોજવામાં આવશે. જેમાં પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ ધારાસભ્યોશ્રીઓ ઉપસ્થિત રહેશે.